<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd September 2026

આયુર્વેદ સાધનાનું ક્ષેત્રઃ માત્ર ધંધો ન બનાવો..

વૈદિક પરંપરાના આરોગ્‍ય શાસ્‍ત્ર અંગે સાધના-સંશોધન જરૂરીઃ માત્ર ડીગ્રીથી જ્ઞાન ન મળેઃ શાસ્‍ત્રનું સન્‍માન ન કરો તો કંઇ નહિ, તેને બદનામ ન કરો

 

 

સનાતન પરંપરાએ યોગ અને આયુર્વેદના રૂપમાં  બે દિવ્‍ય ગિફ્‌ટ સમસ્‍ત માનવ સમાજને આપી છે. આ બંને દિવ્‍ય માર્ગો છે. આજે આયુર્વેદ દિવસની ધામધુમથી ઉજવણી  થઈ રહી છે. વર્તમાન સમયમાં આયુર્વેદનો પ્રચાર ભરપૂર છે, પણ મોટા ભાગે આ દિવ્‍ય માર્ગ પર ધંધાદારીઓનો અને દંભીતત્‍વોનો ભરડો છે. આયુર્વેદ એ માત્ર આરોગ્‍ય ક્ષેત્ર નથી, એ સાધનાનું દિવ્‍ય ક્ષેત્ર છે. તેનો વ્‍યવસાય ભલે થાય, પણ વ્‍યવસાય નિષ્ઠા અને સાધના પૂર્વક થવો જોઈએ.

તાજેતરમાં ગુજરાતની ૭ ખાનગી આયુર્વેદ કોલેજોની માન્‍યતા રદ કરવામાં આવી છે અને ‘બીએએમએસ'ની ૬૨૦ બેઠકો પર એડમિશન પર રોક લગાવાઈ છે. આ કૌભાંડે શિક્ષણ જગત સાથે આરોગ્‍ય ક્ષેત્રે મોટો આંચકો આપ્‍યો છે. ખોટા માનકો, વગર પાયાના ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર અને માત્ર કમાણીના ઉદ્દેશ્‍યથી ચાલતી આવી સંસ્‍થાઓએ વિદ્યાર્થીઓના ભવિષ્‍ય અને દર્દીઓના સ્‍વાસ્‍થ્‍ય સાથે ખુલ્લેઆમ ખિલવાડ કર્યો છે.

 હાલમાં આયુર્વેદના નામે માર્કેટમાં છેતરપીંડીનો મોટો વેપાર ચાલી રહ્યો  હોય તેવું સ્‍પષ્‍ટ દર્શાય છે. માત્ર કાગળ પર ડિગ્રીઓ મેળવીને કે અડધા-પડધા જ્ઞાન સાથે ક્‍લિનિકો ખોલી બેઠેલાઓ માટે આયુર્વેદ માત્ર કમાણીનું સાધન બની ગયું છે. રાતોરાત રોગ મટાડવાના વચનો આપતી બોગસ દવાઓ અને બ્રાન્‍ડિંગના નામે ચાલતી લૂંટ આ વૈદિક શાસ્‍ત્રને બદનામ કરી રહી છે. આયુર્વેદ એ કોઈ પૈસા છાપવાનું મશીન નથી. જે શાસ્‍ત્રનું સન્‍માન ન કરી શકો તો કાઈ નહીં, પણ કમ સે કમ તેને  બદનામ તો ન જ કરો.

વાસ્‍તવમાં આયુર્વેદ માત્ર એક તબીબી પધ્‍ધતિ નથી, પરંતુ વૈદિક પરંપરાનું એક અત્‍યંત પવિત્ર અને ગહન શાસ્‍ત્ર છે. તે કેવળ શરીરના રોગોનું નિવારણ નથી કરતું, પણ આત્‍મા, મન અને શરીરના સંતુલન દ્વારા જીવન જીવવાની આધ્‍યાત્‍મિક કળા શીખવે છે. અથર્વવેદનો ઉપવેદ ગણાતો આયુર્વેદ મનુષ્‍યને પરમ ચૈતન્‍ય સાથે જોડે છે. તેમાં સ્‍વાસ્‍થ્‍યનો અર્થ માત્ર રોગમુક્‍તિ નહીં, પણ ‘સ્‍વ'માં સ્‍થિત થવું તેવો થાય છે.

આયુર્વેદ એ તપ અને સાધનાનું ક્ષેત્ર છે. માત્ર કોલેજની ચાર દીવાલોમાં ડિગ્રી મેળવી લેવાથી સાચું જ્ઞાન નથી મળતું. તે માટે શાસ્‍ત્રોનું ગહન અધ્‍યયન, તપસ્‍યા અને સંશોધન અત્‍યંત જરૂરી છે. જે વૈદ્યમાં સંવેદના અને સાધના નથી, તે કયારેય સ્‍વસ્‍થ સમાજનું નિર્માણ કરી શકે નહીં. તેથી જ, આયુર્વેદને માત્ર ધંધો બનાવવાનું બંધ કરી તેને સાધના અને સેવાના પવિત્ર ભાવ સાથે અપનાવવું એ જ તેનું સન્‍માન છે.

(1:13 PM IST)