<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th September 2026

સમજનું વિસર્જનઃ આંતરિક બઘડાટી

ચૂંટણી પંચ વિવાદમાં શાસક-વિપક્ષમાં અંદરો અંદર ધમાસાણઃ એન. ડી. એ.માં ચીરાગ પાસવાન આડા ફાટયાઃ વિપક્ષમાં કોકરોચ દીપકે રાહુલ સામે સવાલ ઉઠાવ્‍યાઃ અંગત હિતમાં પંચનો ઉપયોગ

 ગણપતિ વિસર્જન સાથે સમજદારીનું વિસર્જન પણ થઈ ગયું હોય, તેમ દેશની રાજનીતિ ઉફાણે આવી છે. મુખ્‍ય ચૂંટણી કમિશનર મુદ્દે જોરદાર બઘડાટી બોલી રહી છે. જોકે આ મુદ્દે વિચિત્ર બાબત એ છે કે, શાસક અને વિપક્ષ બંનેમાં અંદરોઅંદર પણ ઘમાસાણ મચી છે. એન.ડી.એ.ના સાથીદાર ચીરાગ પાસવાને ચૂંટણી પંચ સામે સવાલ સર્જીને મોદી સરકારને આંચકો આપ્‍યો છે. બીજી બાજુ વિપક્ષમાં કોકરોચ પાર્ટીના દીપકે રાહુલ ગાંધી સામે નિશાન તાકીને વિપક્ષી એકતાના ધજાગરા ઉડાવી દીધા છે. વાત મતદારોના અધિકારની છે, પણ વાસ્‍તવમાં રાજકીય પક્ષો અને નેતાઓ અંગત સ્‍વાર્થ માટે ચૂંટણી પંચના વિવાદનો ઉપયોગ કરી રહ્યા છે.

રાજકીય ચિત્રનું ઊંડું વિશ્‍લેષણ કરીએ તો સ્‍પષ્ટ થાય છે કે બંધારણીય સંસ્‍થાઓ હવે માત્ર રાજકીય દાવપેચનું સાધન બની ગઈ છે. ચીરાગ પાસવાનનું ચૂંટણી પંચ સામે સવાલ ઉઠાવવું એ માત્ર આકસ્‍મિક નિવેદન નથી, પરંતુ એન.ડી.એ.માં નાના ઘટક પક્ષોનું પોતાનું અસ્‍તિત્‍વ ટકાવી રાખવાનું ગણતરીપૂર્વકનું રાજકારણ છે. દલિત મતદારોમાં પોતાની સ્‍વતંત્ર છબી જાળવવા માટે તેઓ સરકારથી અલગ સુર આલાપી રહ્યા છે. આ દર્શાવે છે કે શાસક ગઠબંધનમાં આંતરિક આત્‍મવિશ્વાસનો અભાવ છે અને ચૂંટણી નજીક આવતાં જ સાથી પક્ષો પોતાની શરતો મંજૂર કરાવવા દબાણ ઊભું કરી રહ્યા છે.

સામે પક્ષે, વિપક્ષી ખેમામાં કોકરોચ પાર્ટીના દીપક દ્વારા રાહુલ ગાંધીના વલણ સામે સવાલો ઊભા કરવા એ  દર્શાવે  છે કે વિપક્ષ પાસે કોઈ સ્‍પષ્ટ નીતિ કે સંગઠનાત્‍મક એકતા નથી. ચૂંટણી પંચ પર સતત પ્રહાર કરવાની રાહુલની વ્‍યૂહરચનાથી ખુદ વિપક્ષ અસહજ અનુભવી  રહ્યો  છે.  દરેક મુદે વિપક્ષમાં જસ લેવાની સ્‍પર્ધા જામી છે. આમ, વિપક્ષી એકતાનો  દાવો માત્ર કાગળ પર રહી ગયો છે અને આંતરિક ખેંચતાણ છતી થઈ ગઈ છે.

લોકશાહીના મૂળ આધાર ગણાતા મતદારોના અધિકારો અને પંચની નિષ્‍પક્ષતાનો મુદ્દો બાજુ પર ધકેલાઈ ગયો છે. બંને પક્ષો માટે ચૂંટણી પંચની સ્‍વાયત્તતા કરતા પોતાની રાજકીય રોટલી શેકવી વધુ મહત્‍વની બની ગઈ  છે. પ્રજાના વાસ્‍તવિક પ્રશ્નો ભૂલીને નેતાઓ માત્ર પોતાના અંગત હિત અને પક્ષીય ગણિત ખાતર બંધારણીય સંસ્‍થાઓની ગરિમાનું વિસર્જન કરી રહ્યા છે, જે ભારતીય લોકશાહી માટે ગંભીર ચિંતાનો વિષય છે.

પેપર લીક મુદે પણ કોકરોચ અને કોંગ્રેસ અલગ અલગ લડત ચલાવતા  હતા. ચૂંટણી પંચ મુદે પણ રાહુલ બાદ કોકરોચ પાર્ટીના દીપકે અલગ લડતનું એલાન કર્યું  છે. શાસક- વિપક્ષ બંનેની દશા જોતા લાગે છે કે મુદો ગમે તેટલો ગંભીર હોય, રાજકીય પક્ષોને માત્ર પોતાના સ્‍વાર્થમાં જ રસ છે. સ્‍વાર્થ સાધવા ગમે તે હદે જવા તૈયાર રહે છે.

(12:03 PM IST)