<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th September 2026

એન્‍ટી સોશિયલ મીડિયા!

આશીર્વાદ સમાન ટેકનોલોજી આફતમાં પલટાઇ રહી છેઃ સુપ્રિમ કોર્ટે ચિંતા વ્‍યકત કરી, જો કે ધાર્યા કરતા સમસ્‍યા અઘરી લાગી રહી છેઃ નક્કર નિર્ણય અનિવાર્ય

 આધુનિક યુગમાં ટેકનોલોજી માનવજાત માટે એક મોટો આશીર્વાદ બનીને આવી હતી. સરળ સંપર્ક અને માહિતીના આદાન-પ્રદાન માટે શરૂ થયેલું સોશિયલ મીડિયા આજે સમાજ માટે ગંભીર આફતમાં પલટાઈ રહ્યું છે. વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાનો પ્રભાવ માત્ર વ્‍યક્‍તિગત જીવન સુધી સીમિત ન રહેતાં સમગ્ર સામાજિક તાણાવાણા માટે અકલ્‍યાણકારી સાબિત થઈ રહ્યો છે. 

સુપ્રીમ કોર્ટે પણ સોશિયલ મીડિયાના વધી રહેલા દૂષણ અને સગીરો પર પડતી તેની ઘાતક અસરો સામે અત્‍યંત ગંભીર વલણ રજૂ કર્યું છે. અદાલતે સગીરોની ઓનલાઈન સુરક્ષાને પ્રાથમિકતા આપતાં ડિજિટલ પ્‍લેટફોર્મ્‍સ પર ૧૮ વર્ષની વયમર્યાદા ફરજિયાત  બનાવવાનો મહત્‍વનો નિર્દેશ આપ્‍યો છે. ભારતીય કાયદા મુજબ સગીરો કોઈ પણ કાનૂની કરાર કરવા માટે સક્ષમ નથી. છતાં સોશિયલ મીડિયા કંપનીઓ વયચકાસણી વગર બાળકો પાસે નિયમો સ્‍વીકારાવીને તેમને ઓનલાઈન જાળમાં ફસાવે છે. આ પરિસ્‍થિતિને અટકાવવા કોર્ટે સ્‍પષ્ટ સૂચન કર્યું છે. 

સોશિયલ મીડિયા આજે યુવાધન માટે માનસિક ઝેર સમાન બની ગયું છે. લાઈક્‍સ અને ફોલોઅર્સની આંધળી દોડમાં બાળકો અને યુવાનો પોતાનું વાસ્‍તવિક જીવન ખોઈ રહ્યા છે. ઓનલાઈન ગેમિંગ, સાયબર બુલિંગ અને અશ્‍લીલ સામગ્રીની સરળ પહોંચે કુમળી વયના બાળકોના માનસિક સ્‍વાસ્‍થ્‍યને છીન્નભિન્ન કરી દીધું  છે. અભ્‍યાસમાંથી એકાગ્રતા ઘટવી, એકલવાયાપણું, ડિપ્રેશન અને ગુનાહિત પ્રવળત્તિઓ તરફનું આકર્ષણ જેવા ગંભીર દૂષણો સમાજમાં વ્‍યાપકપણે વધી રહ્યા છે. 

જે ટેકનોલોજીનો ઉપયોગ જ્ઞાન અને સંચાર માટે થવો જોઈતો હતો, તે જ આજે સામાજિક સંબંધોને તોડવાનું કામ કરી રહી છે. વર્ચ્‍યુઅલ દુનિયાના આભાસી સુખમાં માણસ પોતાના પરિવાર અને વાસ્‍તવિક સમાજથી દૂર થઈ રહ્યો છે. સગીરો અજાણતા જ સાયબર અપરાધીઓના શિકાર બની રહ્યા છે, જે તેમના ભવિષ્‍ય માટે અત્‍યંત જોખમી છે. 

સુપ્રીમ કોર્ટનો આ નિર્દેશ સ્‍પષ્ટ સંકેત આપે છે કે હવે ડિજિટલ પ્‍લેટફોર્મ્‍સ પર કડક નિયંત્રણો મૂકવાનો સમય આવી ગયો છે. જો સમયસર સોશિયલ મીડિયાના આ વિલન સ્‍વરૂપને અંકુશમાં લેવામાં નહીં આવે, તો આશીર્વાદરૂપી ટેકનોલોજી આખી પેઢીના વિનાશનું કારણ બનશે. સમાજ, વાલીઓ અને સરકારે સાથે મળીને સોશિયલ મીડિયાના આ દૂષણ સામે જાગળત થવું પડશે.

(10:45 AM IST)