<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

માત્ર પ્રશંસા કરવાથી કંઇ નહિ વળે પ્રેરણા લેવી જરૂરી

અમુક તો સ્‍મિતના નામે ખુદ પ્રસિધ્‍ધિ લેતા હોય તેમ લાગે છેઃ ગુજરાતે ગરિમા એવોર્ડ આપવાને લાયક બનવું પડે તેમ છેઃ સ્‍મિત જેવું જવાબદારીનું ભાન કેળવો...

 તાજેતરમાં ફ્‌લાયદુબઈની ફ્‌લાઈટમાં કોકપિટની અંદર કો-પાયલટ દ્વારા થયેલા ઘાતકી હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્‍ત થવા છતાં ગુજરાતી પાયલટ કેપ્‍ટન સ્‍મિત મચ્‍છરે અદમ્‍ય સાહસ અને ધીરજ દર્શાવી. લોહીલુહાણ હાલતમાં પણ વિમાનને સાઉદી અરેબિયાના તબુક એરપોર્ટ પર સલામત ઉતારીને તેમણે ૧૭૪ મુસાફરોના જીવ બચાવ્‍યા. આ અસાધારણ શૌર્ય બદલ દેશ- દુનિયા તેની બહાદુરી બિરદાવે છે. ગુજરાત સરકારે સ્‍મિત મચ્‍છરને ‘વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ'થી સન્‍માનિત કરવાની જાહેરાત કરી છે.

વાસ્‍તવિકતા એ છે કે માત્ર પ્રશંસાના પુષ્‍પો વેરવાથી કે સોશિયલ મીડિયા પર પોસ્‍ટ મુકવાથી દેશ કે સમાજમાં કોઈ સકારાત્‍મક  બદલાવ આવવાનો નથી. વર્તમાનમાં આપણી આસપાસ એક એવું દંભી વાતાવરણ ઊભું થયું છે જ્‍યાં કોઈ મહાન કાર્ય કરે, ત્‍યારે તેની બહાદુરીમાંથી પ્રેરણા લેવાના બદલે અમુક લોકો તેના જ નામે ખુદની પ્રસિદ્ધિ મેળવવામાં લાગી જાય છે. રાજકીય નેતાઓ અને પ્રસિદ્ધિના ભૂખ્‍યા લોકો કેપ્‍ટન સ્‍મિતની પીઠ થાબડીને પોતે લાઈમલાઈટમાં આવવાના ફાફા મારે છે. તેઓ એ ભૂલી જાય છે કે સોશિયલ મીડિયા પર માત્ર લાઇક્‍સ અને વાહવાહ મેળવવાથી કોઈ દેશ આગળ વધી શકતો નથી.

ગંભીર આત્‍મચિંતન કરવાની જરૂર છે કે આપણે કયાં જઈ રહ્યા છીએ. કેપ્‍ટન સ્‍મિતે જીવન અને મરણ વચ્‍ચેની કટોકટીમાં જે વ્‍યાવસાયિક ઈમાનદારી, અદભૂત શિસ્‍ત અને કર્તવ્‍યનિષ્ઠા દાખવી, તે મૂલ્‍યો આપણા જાહેર જીવનમાંથી ગાયબ થઈ રહ્યા છે. માત્ર એવોર્ડની જાહેરાતો કરવાથી કે મોટા ભાષણો આપવાથી આપણી નૈતિક જવાબદારીઓ પૂરી થઈ જતી નથી.

ગુજરાતના નેતાઓએ તો કેપ્‍ટન સ્‍મિત મચ્‍છરને ‘ગરિમા એવોર્ડ' આપવા લાયક બનવું પડે તેમ  છે. આ માટે  માનસિકતા બદલવી પડશે. માત્ર ફોટોશૂટ કરાવવાથી કે સ્‍ટેજ પર સન્‍માન કરવાથી સિસ્‍ટમ્‍સ સુધરવાની નથી. આપણે આપણા વ્‍યવહારમાં, વહીવટમાં અને રોજિંદા કામકાજમાં સ્‍મિત જેવી સાચી ઈમાનદારી અને જવાબદારીની ભાવના કેળવવી પડશે.

પ્રશંસાના નાટક અને દેખાડા બંધ કરો. પ્રસિદ્ધિની  ભૂખ છોડી  દો. જો આપણે સ્‍મિતના પરાક્રમમાંથી સાચી  પ્રેરણા લઈને આપણા કર્તવ્‍ય પ્રત્‍યે ઈમાનદાર નહીં બનીએ, તો એવોર્ડ્‍સ અને સન્‍માન માત્ર એક ઢોંગ બનીને રહી જશે. મજબૂત સમાજ અને સુરક્ષિત વ્‍યવસ્‍થાનું નિર્માણ કરવું એ જ સાચું સન્‍માન ગણાય. ગુજરાતમાં તો શાસકીય બહાદુરી ગાયબ થઇ ગઇ છે. સ્‍મિતને એવોર્ડ આપી સન્‍માન કરવું જ જોઇએ વાસ્‍તવમાં તો આ સાહસ માટે ‘‘ભારત રત્‍ન'' એવોર્ડ જ હોય શકે પણ સ્‍મિત જેવી જવાબદારીનું ભાન  આપણી આજની નેતાગીરીને થવું જરૂરી છે.

(11:16 AM IST)