News of Thursday, 15th October 2026
આવું તો થવાનું, ટેવાઇ જજો..
રાજકોટ માં દૂકાનમાં ઘુસીને હત્યા-લૂંટઃ ક્રુર ક્રાઇમની સતત ઘટનાઓઃ શાસકો સાવ મોૈન
રાજકોટ-સૌરાષ્ટ્રમાં દારૂથી માંડીને ક્રુર ક્રાઈમનું સતત તાંડવ, પણ કોઈ જવાબદાર જ નહિ..લોહિયાળ ઘટનાઓની પરંપરા બની ગઇ છે, શાસન જેવું કંઇ રહ્યું નથી.નિર્દોષ લોકોએ ફૂંકાઇ જવા તૈયાર રહેવું પડે તેવી લાચાર સ્થિતિ બની ગઇ છે.
રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સતત કથળી રહી છે. ગુનાખોરીનું પ્રમાણ એટલું વધી ગયું છે કે હવે નાગરિકોમાં ભયનો માહોલ છવાયો છે. તાજેતરમાં સુવર્ણ સ્ટોરના કર્મચારી પર ફાયરિંગ અને લૂંટની ગંભીર ઘટના સામે આવી છે. આ ઘટનાના નવા સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે. ચાર અજાણ્યા શખ્સો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
જો કે આ લખાય છે ત્યારે અહેવાલ મળે છે કે રાજકોટ પોલીસે ગણત્રીના કલાકોમાં પરપ્રાંતીય ગેંગને ઝડપી લઇ તમામ મુદ્ામાલ કબ્જે લીધો છે, જે પ્રશંસાને પાત્ર છે.
આવું તો થવાનું, ટેવાઈ જજો... આ વાકય હવે રાજકોટના લોકો માટે રોજિંદી વાસ્તવિકતા બની ગયું છે. દુકાનોમાં હત્યા અને લૂંટ જેવી ક્રૂર ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી છે. પરંતુ આ ગંભીર બાબતમાં કોઈને કોઈ રસ નથી. સામાન્ય પ્રજા પીડાઈ રહી છે અને સત્તાવાળાઓ નિષ્ક્રિય છે. શાસક પક્ષ અને વિપક્ષ બંને આ મુદ્દે સંપૂર્ણપણે મૌન ધારણ કરીને બેઠા છે.
જમીની સ્તરે ગુનેગારોના હૌસલા બુલંદ છે. જે વેપારી મહામંડળો કે ચેમ્બર જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓએ વેપારીનો અવાજ બનવું જોઈએ, તે આજે લાચાર અને મૂકપ્રેક્ષક બની ગઈ છે. ચેમ્બરના પદાધિકારીઓ શાસકો સામે મુજરા કરતા જોવા મળી રહ્યા છે. આ સંસ્થાઓની નબળી ભૂમિકાના કારણે અપરાધખોરોને મોકળા મેદાન મળી રહ્યા છે.
રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્ર અપરાધનું કેન્દ્ર બનતું જાય છે. અહીં દારૂના કારોબારથી માંડીને ક્રૂર ક્રાઈમનું ખુલ્લેઆમ તાંડવ ચાલી રહ્યું છે. દારૂ અને જુગારની બદીઓ જ આ મોટા ગુનાઓની જનની છે. આમ છતાં જવાબદારી સ્વીકારવા માટે કોઈ તૈયાર નથી. દરેક જણ એકબીજા પર દોષનો ટોપલો ઢોળીને સંતોષ માની લે છે.
જો સમયસર કડક પગલાં નહીં ભરવામાં આવે, તો સ્થિતિ વધુ ભયાનક બનશે. પ્રશાસને પોતાની ઊંઘમાંથી જાગવું પડશે. માત્ર કાગળ પરની વાતો કે પેટ્રોલીંગની વાતો બંધ કરવી પડશે. વેપારીઓને સુરક્ષા આપવી એ તંત્રની પ્રાથમિક ફરજ છે. જનતાએ પણ હવે આવા અન્યાય સામે મૌન તોડીને અવાજ ઉઠાવવો અનિવાર્ય બની ગયું છે. કાયદાનો અને પોલીસ તંત્રનો ડર ફરીથી સ્થાપિત થાય તે જ આ સમયની સૌથી મોટી માંગ છે. કળર ઘટનાઓના વિરોધમાં બે-ચાર કલાક દૂકાનો બંધ રાખવાથી કંઈ વળવાનું નથી.
(2:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
