<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st October 2026

હવા નીકળી ગઇઃ ભાગે ઇ ભાયડા!

GEN-Zના નામે હાલી નીકળેલા કોકરોચ તખ્‍તા પલટની ફિશિયારી મારતા હતાઃ શિક્ષણમાં ક્રાંતિ મુદ્‌ો રિયલ હતો. સમર્થન મળ્‍યું: બાદમાં શિક્ષણ પડતું મૂકીને હલકી રાજનીતિ આદરી, પણ સમર્થકો ગાયબ

 પોતાને ભારત ભાગ્‍ય વિધાતા માનીને દેશમાં હલચલ મચાવવા નીકળી પડેલા કોકરોચ નામના ટોળાના નેતા દીપકે,રાંકાની હવા નીકળી ગઇ હોય તેવો કોમેડી માહોલ સર્જાયો છે. સરકાર ઉથલાવવાની વાતો કરનારા ખુદ ઉથલવાની તૈયારીમાં હોય તેમ લાગે છે. ક્રાંતિ કરવાના નારા લગાવનારા ભાગે ઇ ભાયડા..ની નીતિ અપનાવવા લાગ્‍યા છે. દીપકેએ આંદોલન સમેટવાની ઘોષણા કરી છે, જો કે તેના સમર્થકોએ તો કયારનું સમેટી લીધું હતું.

સોશિયલ મીડિયા પર ‘Gen-Z’નું ગતકડું લગાવીને રાતોરાત દેશ કે દુનિયા પલટી નાખવાના દાવા કરનારાઓની કોઈ કમી નથી. આજના ડિજિટલ યુગમાં કેટલાક સ્‍વયંભૂ ક્રાંતિકારીઓ, જેમને  પોતાની છાશ લેવાની પણ ત્રેવડ  ન હોય, તેવા કોકરોચ જેવા નેતાઓ પણ મંચ પર બેસીને દેશનો તખ્‍તાપલટ કરી નાખવાની મોટી-મોટી ફિશિયારીઓ મારતા ફરતા હોય છે.

આવા જ એક સ્‍વયંભૂ નેતાજી જ્‍યારે મેદાનમાં આવ્‍યા, ત્‍યારે શરૂઆતમાં તેમનો ‘શિક્ષણમાં ક્રાંતિ' લાવવાનો મુદ્દો એકદમ રિયલ અને વ્‍યાજબી લાગ્‍યો હતો. શિક્ષણ અને વ્‍યવસ્‍થા સુધારવાની વાત હોવાથી સામાન્‍ય વિદ્યાર્થીઓ અને પ્રજાએ પણ તેમને શ્રદ્ધાથી ભરપૂર સમર્થન આપ્‍યું. લોકો એમ માનીને જોડાયા કે કદાચ કોઈ રચનાત્‍મક પરિવર્તન આવશે. પરંતુ, જનતાનો સાથ અને લાઈક્‍સ મળતાની સાથે જ આ કથિત ક્રાંતિકારીઓની અસલી નિયત બહાર આવી ગઈ.

તેઓએ પાયાના અને ગંભીર શિક્ષણના મુદ્દાને સાવ પડતો મૂકી દીધો અને પોતાની રોટલી ભાંગવા માટે એકદમ હલકી અને છીછરી રાજનીતિ આદરવા માંડી. ડાબેરીઓ અને વિદેશીઓની કઠપૂતળી બનેને સ્‍ટેજ પરથી તોડીફાડી નાખવાની અને સરકાર હલાવી દેવાની બણગાબાજી શરૂ કરી દીધી હતી.  પબ્‍લિક હવે હોશિયાર છે; જેવું આ નાટક પકડાયું કે તરત જ જનતા સમજી ગઈ કે દાળમાં કંઈક કાળું છે. પરિણામ એ આવ્‍યું કે જોતજોતામાં પેલી મોટી-મોટી ભીડ અને ટોળાં હવા થઈ ગયાં અને મંચ પર ખાલી માખીઓ જ બણબણવા લાગી!

GEN-Zના બ્રાન્‍ડ એમ્‍બેસેડર બની બેઠેલા દીપકે, રાંકા, નેહા જેવા બગડેલા મગજના એવું માનતા હતા કે અમે હાકલ કરીએ ત્‍યારે દેશભરમાં ટોળા નીકળી પડશે અને સરકાર બેન્‍ડ વળી જશે. દીપકે, રાંકાની ધરપકડ થઇ, કોઇ સમર્થક ઉમટયા નહિ. ગળે કાયદાનો ગાળિયો આવી ગયો. શ્વાસ રુંધાવા લાગતા ભાન થયું કે, જિંદગી નંદવાઈ જશે. તખ્‍તા પલટની ફિશિયારી મારનારાના  અચાનક મગજ પલટા થયા અને ડાહી-ડાહી વાતો કરવા લાગ્‍યા.

જ્‍યારે કાયદાનો લાંબો હાથ ગરદન સુધી પહોંચ્‍યો અને ભલભલાની હવા નીકળી જતી હોય છે.  આ અસલી ‘હીરા' લોકોની વચ્‍ચેથી છૂમંતર થઈ ગયા. મુખ્‍ય ચૂંટણી આયુક્‍ત સામે આંખ બતાવનારા અને તખ્‍તાપલટની મોટી વાતો કરનારા ભાઈસાહેબના પગ નીચેથી જમીન સરકી ગઈ. જે નેતાઓ ક્રાંતિના નામે યુવાનોને ભડકાવતા હતા, તેમણે અચાનક વીડિયો બનાવીને આંદોલન પર જાતે જ બ્રેક લગાવી દીધી.

કાર્યકર્તાઓને ઉપદેશ આપતા ભાઈસાહેબે હવે નવો જ રાગ શરૂ કર્યો છે કે, ‘તહેવારોનો સમય છે, બધું છોડો અને પરિવાર સાથે શાંતિથી ઘરમાં બેસીને સમય વિતાવો!' અરે ભાઈ, જ્‍યારે તમે યુવાનોના ભવિષ્‍ય સાથે રમત રમીને જેલની હવા ખાવાના વારા લાવ્‍યા, ત્‍યારે પરિવાર યાદ ન આવ્‍યો? અને હા, સાથીઓ પર કાયદાકીય શિકંજો કસાતા જ આ ક્રાંતિકારીઓની આંખો પણ કેમેરા સામે કેવળ મગફળીના દાણા જેવા આંસુ સારવા લાગી!

ક્રાંતિનો બકવાસ કરનાર દીપકે, રાંકા હવે કહે છે કે, ‘અમે ગાંધીજીના માર્ગે ચાલીશ' અને ‘નફરત નહીં પ્રેમ વહેંચીશું'. ફિલ્‍મી ડાયલોગ બોલીને પોતાની કાયરતા છુપાવવાનો નિષ્‍ફળ પ્રયાસ થઈ રહ્યો છે.  જે લોકો મરજી મુજબ દેશ બદલવા નીકળ્‍યા હતા, તેમની પોતાની જ હવા એવી નીકળી ગઈ કે હવે માત્ર રડમસ ચહેરા સાથે મેદાન છોડીને ભાગવાનો જ વારો આવ્‍યો છે!

(10:49 AM IST)