હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વ્યાજખોર રાક્ષસોના હાહાકાર સામે નેતાઓ...
રાક્ષસો સતત જીવ લે છે,પણ તેને બ્રેક મારનાર કોઇ નથીઃ શાસકો-વિપક્ષને માત્ર મતમાં જ રસઃ લોકો ભગવાન ભરોસેઃ જવાબદારો સામે આક્રોશની આગ ભડકતી નથી...
ગુજરાતમાં વ્યાજખોરોનો આતંક હવે હદ વટાવી ચૂકયો છે. રાજકોટમાં લસણના કારખાનામાં પતિ-પત્નીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વ્યાજખોરોના અસહ્ય ત્રાસ અને ધમકીઓથી કંટાળીને એક નિર્દોષ દંપતિએ પોતાનો જીવ ટૂંકાવવો પડ્યો.
સામાન્ય દંપતિ પર દરરોજનું રૂ. ૭૦,૦૦૦ જેટલું અમાનુષી વ્યાજ વસૂલવા કહેવામાં આવ્યું હતું. એક સામાન્ય કમાણી કરતા પરિવાર માટે દરરોજ આટલી મોટી રકમ આપવી અશકય હતી. આ વ્યાજખોર રાક્ષસોનું ખુલ્લેઆમ તાંડવ ન ગણાય તો બીજું શું ગણાય? દંપતિએ આખરે મરવું પડ્યું, છતાં પણ સમાજમાં આ અન્યાય સામે કોઈ મજબૂત અવાજ ઉઠાવતું નથી.
તાજેતરમાં જ રાજકોટમાં એક રઘુવંશી પરિવારના તમામ ત્રણ સભ્યો પણ આ જ રીતે વ્યાજખોરીના કારણે મોતને ભેટયા હતા. પરંતુ અફસોસની વાત એ છે કે એ ગંભીર પ્રકરણ પણ ધીમે ધીમે ભીનું સંકેલાતું હોય તેમ લાગે છે. પોલીસ તંત્રને પણ પોતાની કાનૂની અને નૈતિક જવાબદારીનું ભાન કરાવવું અત્યંત જરૂરી બની ગયું છે. વ્યાજખોરો, ગુનેગારો બેફામ બન્યા છે અને પોલીસ તંત્ર મૂકપ્રેક્ષક બનીને જોઈ રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
સૌથી શરમજનક બાબત એ છે કે એક પણ રાજકીય નેતું આ ગંભીર મુદ્દા પર કંઈ બોલતું નથી. ચૂંટાયેલા નેતા અને નેતીઓ લોકોનો સાચો અવાજ બનવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે. શાસકો અને વિપક્ષ બંનેને માત્ર ચૂંટણી અને મતમાં જ રસ છે. પ્રજાના જીવની કોઈ કિંમત જ રહી નથી અને લોકો આજે સંપૂર્ણપણે ભગવાન ભરોસે જીવવા મજબૂર બન્યા છે.
એવું સ્પષ્ટ દેખાય છે કે સરકારને સૌરાષ્ટ્ર અને અહીંના લોકોની વેદનામાં કોઈ રસ નથી. જવાબદારો સામે જનતામાં આક્રોશની આગ ભડકતી નથી, જેના કારણે વ્યાજખોરોની હિંમત વધતી જાય છે. જો નાત, જાતના ભેદ ભૂલીને લોકો એક થઈને આ પરિસ્થિતિ, જવાબદારો અને તંત્ર સામે આક્રોશ નહીં જગાવે, તો આ વ્યાજખોર રાક્ષસો આવી જ રીતે રોજેરોજ સામાન્ય લોકોને પોતાનો કોળિયો બનાવતા રહેશે. હવે જાગવાનો અને અવાજ ઉઠાવવાનો સમય આવી ગયો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
