<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

નેતાની સંખ્‍યા સાથે ગુણવત્તા પણ વધારો

હાલના મોટાભાગના નેતા-નેતી હા-જી-હા છેઃ સમાજ માટે બોજ જેવા નેતાની સંખ્‍યા બમણી કરવાથી લોકશાહી મજબૂત નહિ થાયઃ નેતાગીરી માટેની લાયકાત અને જવાબદારી નક્કી કરો

 ભારતમાં પરિસીમન પ્રક્રિયા અને લોકસભા તથા વિધાનસભાની બેઠકોની સંખ્‍યામાં સંભવિત વધારા અંગેની ચર્ચા હાલના રાજકીય અને સામાજિક વર્તુળોમાં કેન્‍દ્રસ્‍થાને છે. વિવિધ માધ્‍યમો અને રાજકીય વિશ્‍લેષકોના મતે, વસ્‍તીના ધોરણે મતવિસ્‍તારોનું પુનર્ગઠન કરવું એ બંધારણીય અને લોકશાહી વ્‍યવસ્‍થાનો એક મહત્‍વપૂર્ણ ભાગ છે. જોકે, આ પ્રક્રિયા સાથે જોડાયેલા વહીવટી ફાયદાઓ અને રાજકીય પડકારો અંગે અલગ-અલગ અભિપ્રાયો જોવા મળે છે.

 સિમાંકન ખરડાના સમર્થકો અને બંધારણીય નિષ્‍ણાતોના મતે, દેશની વધતી જતી વસ્‍તીને ધ્‍યાનમાં રાખીને ‘એક નાગરિક, એક મત, એક મૂલ્‍ય'ના સિદ્ધાંતને જાળવી રાખવા માટે બેઠકોની સંખ્‍યામાં વધારો કરવો જરૂરી છે. તેમનું માનવું છે કે એક સાંસદ કે ધારાસભ્‍ય દીઠ મતદારોની સંખ્‍યા ખૂબ જ વધી ગઈ હોવાથી, પ્રતિનિધિઓ માટે દરેક નાગરિક સુધી પહોંચવું અને વિકાસના કાર્યો પર પૂરતું ધ્‍યાન આપવું મુશ્‍કેલ બને  છે. નવા મતવિસ્‍તારોની રચના થવાથી શાસન વ્‍યવસ્‍થા વધુ સુગમ બનશે અને છેવાડાના વિસ્‍તારોને યોગ્‍ય પ્રતિનિધિત્‍વ મળી રહેશે.

બીજી તરફ, વિરોધ પક્ષો, દક્ષિણના રાજ્‍યો અને ઘણા રાજકીય વિવેચકો આ પ્રક્રિયાના રાજકીય આટાપાટા અંગે ચિંતા વ્‍યક્‍ત કરે છે. તેમના મતે, વસ્‍તી નિયંત્રણમાં સફળ રહેલા રાજ્‍યોને નવા પરિસીમનમાં બેઠકોની ટકાવારી ઘટવાનો ભય રહે છે, જે સંઘીય માળખાના સંતુલનને અસર કરી શકે છે. વધુમાં, આલોચકો અને સામાજિક ચિંતકો દ્વારા એવો મુદ્દો પણ ઉઠાવવામાં આવે છે કે જો ચુંટાયેલા પ્રતિનિધિઓ પક્ષના આદેશોને આધીન રહીને સ્‍વતંત્ર રીતે પ્રજાના પ્રશ્નો ઉઠાવી ન શકે, તો માત્ર બેઠકોની સંખ્‍યા વધારવાથી લોકશાહી મજબૂત થતી નથી, બલ્‍કે તિજોરી પર પગાર, ભથ્‍થાં અને વહીવટી ખર્ચનો બોજ વધે છે.

નિષ્‍ણાતો અને નાગરિક સમાજના પ્રતિનિધિઓના મતે, લોકશાહીની સફળતા માત્ર પ્રતિનિધિઓની સંખ્‍યા પર નહીં, પરંતુ તેમની ગુણવત્તા અને રાજકીય નૈતિકતા પર નિર્ભર કરે છે. સંસદ અને વિધાનસભાઓમાં નીતિગત ચર્ચાનું સ્‍તર ઊંચું આવે, પારદર્શિતા જળવાય અને પ્રતિનિધિઓ પ્રજા પ્રત્‍યે જવાબદાર બને તે અત્‍યંત જરૂરી માનવામાં આવે છે. પરિસીમન દ્વારા વહીવટી પ્રતિનિધિત્‍વ વધારવાની સાથે સાથે રાજકીય પક્ષોમાં આંતરિક લોકશાહી અને ઉમેદવારોની પસંદગીમાં નૈતિક ધોરણો જાળવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

નેતાગીરી માટે લાયકાત નક્કી થવી પણ જરૂરી છે. ફાલતુ તત્‍વો રાજનીતિમાં ઘુસીને દેશની પથારી ફેરવી રહ્યા છે. આવા તત્‍વોને દૂર કરવા અનિવાર્ય છે. હાલની નેતાગીરી મોટાભાગે બોજ સમાન છે. આ બોજને બમણો કરવાથી લોકશાહી નબળી પડશે. દેશને ગુણવત્તાયુક્‍ત નેતાગીરીની જરૂર છે.

(10:58 AM IST)