Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

મોરબી જિલ્લામાં મેઘાની તોફાની બેટીંગ : ૮ ઇંચ : સનાળા ગામનું તળાવ તૂટયું

રંગપર પાસે પુલીયુ બેસી જતા ટ્રક ફસાયો : સખપરમાં તણાતા બે લોકોને બચાવાયા : માટેલમાં ત્રણ તણાતા ૧ લાપતાની શોધખોળ : કાર પાણીમાં તણાઇ : ઘુટું ગામે હાઇવે ઉપર પાણી ફરી વળ્યા : માળીયા મીંયાણાના અનેક ગામોમાં ઘરવખરીને નુકસાન

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૩૧ : મોરબી જીલ્લામાં મેઘરાજા સતત તોફાની બેટિંગ કરી રહ્યા છે જેથી અનેક સ્થળે તારાજીના દ્રશ્યો જોવા મળે છે તો મોરબીમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા તો ખેતરોમાં પાણી ભરાતા પાક નુકસાન જવાની શકયતાઓ જોવાઈ રહી છે.

મોરબી જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં વરસેલ વરસાદમાં મોરબી ૮ ઇંચ, ટંકારા ૨.૫ ઇંચ, માળિયા ૪ ઇંચ, વાંકાનેર ૨ ઇંચ અને હળવદમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો તો મોરબી તાલુકામાં ૮ ઇંચ વરસાદ વરસતા શહેરના મુખ્ય માર્ગો અને શહેરના રણછોડનગર, કુબેરનગર, લાયન્સનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા તો રંગપર ગામની સીમમાં પુલીયું બેસી જતા અડધો ટ્રક તેમાં સમાયો હતો. ટંકારા તાલુકાના સખપર ગામે બે લોકો નદીના વહેણમાં તણાતા એનડીઆરએફની ટીમ અને ટંકારા ટીડીઓ સહિતની ટીમે રેસ્કયુ કરી બંને લોકોને બચાવ્યા હતા. તોઙ્ગ વાંકાનેર તાલુકાના માટેલ ગામે ઘરામાં ત્રણ લોકો તણાયાની જાણ થતા ગ્રામજનો દોડી ગયા હતા અને બે લોકોને બચાવી લેવાયા હતા અને એક વ્યકિતની શોધખોળ ચલાવી હતી

તેમજ તળાવીયા શનાળા ગામનું તળાવ તૂટ્યું હતું જેથી ગામ પાણી પાણી થયું હતું તો તળાવ તૂટતા ત્યાંથી પસાર થતી કાર પાણીમાં તાણવા લાગી હતી અ જો કે તેમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો હતો અને કારને ક્રેન દ્વારા બહાર કાઢવામાં આવી હતી.ભારે વરસાદને કારણે કાલીન્દ્રી નદી બે કાઠે આવતા મોરબી તાલુકાના ધુટુ ગામ નજીકથી પસાર થતા હાઈવે પર પાણી ફરી વળ્યું હતું ઙ્ગઅને ગામમાં પણ ઘુસ્યું હતું જેથી ગ્રામજનોને હાલાકીનો સમાનો કરવો પડ્યો હતો.તેમજ મોરબીની મચ્છુ નદી બે કાંઠે આવતા બેઠો પુલ બંધ કરવામાં આવ્યો હતો અને ત્યાં ફાયર તથા પોલીસની ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી. મચ્છુ ૨ ડેમમાંથી પાણી છોડવામાં આવતા મોરબીના સામાકાંઠા વિસ્તાર, વાંકડા ગામ, મહેન્દ્રનગર સહિતના ગામોમાં પાણી ભરાયા હતા અને મુશ્કેલીઓ વેઠવી પડી હતી અને ખાસ કરીને મચ્છુ ૨ અને મચ્છુ ૩ ડેમમાંથી પાણી છોડવામાં આવતાની સાથે જ માળિયા તાલુકો પાણી પાણી થયા છે માળિયા, સુલતાનપુર, માંણબા, ચીખલી સહિતના ગામોમાં પાણી ધૂસ્યા હતા અને ઘરવખરીને નુકશાન થયું હતું.

મોરબી શહેરમાં સારા વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા. જોકે રવિવાર રજાનો દિવસ હોવાથી લોકોએ ઘરમાં પુરાઇ રહેવાનું જ પસંદ કર્યું હતું તો ઉપરવાસની આવકને પગલે મોરબીના મચ્છુ-૨ ડેમના ૧૦ દરવાજા ૬ ફુટ સુધી ખોલવામાં આવ્યા હતા. જ્યારે મચ્છુ-૩ ડેમના પણ આઠ દરવાજા ૪ ફુટ ખોલવામાં આવ્યા હતા. જેના પગલે મોરબી અને માળીયા તાલુકાના ૩૨ ગામોને એલર્ટ અપાયું હતું.

(1:05 pm IST)