Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

અમિતાભ બચ્ચને મુંબઈમાં ૩૧ કરોડમાં ડુપ્લેક્ષ ખરીદ્યો

બોલિવૂડના શહેનશાહે વધુ એક મિલ્કત ખરીદી : બીગ બીએ પ્રોપર્ટી ડિસે. ૨૦૨૦માં ખરીદી પણ તેનુ રજિ. એપ્રિલમાં કરાવી તેના પર ૬૨ લાખ સ્ટેમ્પ ડ્યુટી ચુકવી

નવી દિલ્હી, તા. ૨૮ : બોલીવૂડના સુપર સ્ટાર અમિતાભ બચ્ચને મુંબઈમાં એક નવુ મકાન ખરીદયુ છે અને તેની કિંમત ૩૧ કરોડ રુપિયા થવા જાય છે. એક વેબસાઈટના અહેવાલ પ્રમાણે અમિતાભ બચ્ચને ડુપ્લેક્ષ ફલેટ ખરીદયો છે .બીગ બીએ આ પ્રોપર્ટી આમ તો ડિસેમ્બર ૨૦૨૦માં ખરીદી હતી પણ તેનુ રજિસ્ટ્રેશન ગયા મહિને કરાવ્યો છે. તેના પર અમિતાભે ૬૨ લાખ રુપિયા સ્ટેમ્પ ડ્યુટી ચુકવી છે. મકાનની કિંમતના બે ટકા લેખે સ્ટેમ્પ ડ્યુટી ચુકવાતી હોય તો તે પ્રમાણે આ પ્રોપર્ટીની કિેમત ૩૧ કરોડ રુપિયા થવા જાય છે.

મહારાષ્ટ્ર સરકારે કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે સ્ટેમ્પ ડ્યુટીમાં છુટ આપી છે અને તેનો ફાયદો અમિતાભ બચ્ચનને પણ મળ્યો છે. આ ડુપ્લેક્ષ સાથે એક નહીં પણ ૬ કાર પાર્ક કરવાની જગ્યા મળી છે. ૨૮ માળની ઈમારતમાં બચ્ચને ખરીદેલો ડુપ્લેક્ષ ૨૭મા માળે છે.

અહેવાલ પ્રકાશિત કરનાર વેબસાઈટનુ કહેવુ છે કે, સંક્રમણની વચ્ચે લક્ઝી એપાર્ટમેન્ટનુ વેચાણ વધી ગયુ છે. આ દરમિયાન સંખ્યાબંધ સેલિબ્રિટિઝ, બિઝનેસમેન અને પ્રોફેશનલ્સે પ્રોપર્ટીમાં રોકાણ કર્યુ છે.

ઉલ્લેખનીય છે કે, અમિતાભ પાસે પહેલેથી જ જુહુમાં બે બંગલા છે. પ્રતિક્ષા અને જલસા નામના આ બંને બંગલા દેશમાં પણ પ્રખ્યાત છે. કોરોના સંક્રમણની શરુઆત પહેલા દર રવિવારે અમિતાભ  જુહુમાં પોતાના બંગલાની બહાર ચાહકોને એક ઝલક પણ આપતા હતા.જોકે કોરોનાના કારણે આ પરંપરા હાલમાં તેમણે બંધ કરેલી છે.

(8:04 pm IST)