Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

ગુજરાતમાં કોરોના કેસ વધતા અમદાવાદમાં પત્‍નીની અંતિમવિધી કરવા માટે પતિ અને પરિવારજનો 4 કલાક વિવિધ સ્‍મશાન ગૃહમાં રઝળ્‍યા

અમદાવાદ: ગુજરાતમાં ફરી એવો સમય આવી ગયો છે, જ્યા હોસ્પિટલો હાઉસફુલ થઈ રહી છે, અને સ્મશાનોમાં કોરોના દર્દીઓના અંતિમ સંસ્કારો માટે લાંબી લાઈનો પડી રહી છે. કોરોનાએ ઉથલો મારતા કોરોનાના કિસ્સાઓ ફરી કાને પડી રહ્યા છે કે. ત્યારે અમદાવાદના મણિનગર વિસ્તારમાં કોરોનાગ્રસ્ત એક મહિલાના અંતિમ સંસ્કાર માટે તેના પરિવારજનોને લાંબી રઝળપાટ કરવી પડી હતી. સ્મશાન ગૃહોમાં વેઈટિંગ હોવાથી એક પતિ પત્નીની અંતિમ વિધિ માટે ચાર કલાક શહેરના અલગ અલગ સ્મશાન ગૃહોમાં ફર્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, રેલવે કર્મચારી સુરેન્દ્ર ડોંગરેના પત્નીનું સોમવારે સાંજે કોરોનાથી મોત નિપજ્યું હતું. તેમના 50 વર્ષીય પત્ની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ હતા. જેના બાદ સોમવારે તેમનુ મોત નિપજ્યું હતું. ત્યારે તેમનો તેમનો પરિવાર હોસ્પિટલની નજીક આવેલ સીએનજી અથવા ઈલેક્ટ્રીક સ્મશાનમાં અંતિમવિધિ માટે લઈ જવામાં આવે છે. ત્યારે પરિવાર સૌથી પહેલા શબવાહિની લઈને હાટકેશ્વર ગયા હતા. જ્યાં સીએનજી સ્મશાન બંધ હતું. અહીથી પરિવાર જમાલપુર સપ્તઋષિ ગયા હતા. અહી બે મૃતદેહોની અંતિમવિધિ ચાલતી હતી. જેમાં બે થી ત્રણ કલાકનો સમય લાગી શકે એમ હતો. તેથી પરિવારના લોકો મહિલાના મૃતદેહને વીએસ હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ અહી પણ ઈલેક્ટ્રીક ભઠ્ઠી બંધ હતી.

આમ, ત્રણેય સ્મશાનોમાં પણ મહિલાના અંતિમ સંસ્કાર થઈ શક્યા ન હતા. ત્યારે આખરે મહિલાના મૃતદેહને ઈસનપુર સ્મશાનમાં લઈ જવાયા હતા. અહીં ઈલેક્ટ્રિક-સીએનજી સ્મશાનની સુવિધા હોવાથી પરિવારના સભ્યોએ અહીં અંતિમવિધિ કરી હતી. આમ, એક પરિવારે મહિલાના મૃતદેહ માટે દરબદર ભટકવુ પડ્યું હતું. 4 કલાકની રઝળપાટ બાદ આખરે મહિલાના અંતિમ સંસ્કાર થયા હતા.

આ વાત સાબિત કરે છે કે, અમદાવાદમાં કોરોનાની ગાઈડલાઈન મુજબ અંતિમ વિધિ કરવામાં કોઈ નિયમો બનાવાયા નથી. ન તો કોઈ કો-ઓર્ડિનેશન છે. જેથી પરિવારને એક કોરોના મૃતદેહ સાથે આવી રીતે રઝળપાટ કરવાની ફરજ પડી હતી.

(5:07 pm IST)