Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

કોરોનાના આંકડા છુપાવવાનો ખેલ ફ્રરીથી શરુ થયાની આશંકા : મનપાના આંકડા અને રાજ્યસરકારના આંકડામાં મોટો તફાવત

વડોદરા મનપાએ કોરોનાનો આંક 400 બતાવ્યો તો રાજ્ય સરકારે આંકડો માત્ર 292 દર્શાવ્યો : કોરોનાથી મોતની સંખ્યામાં પણ સરકાર અને સ્મશાન-હોસ્પિટલની સંખ્યામાં ફરક

અમદાવાદ : દેશ સહિત ગુજરાતમાં પણ કોરોના વધવાની સાથે જ કોવિડ દર્દીઓ અને તેનાથી થતાં મોતના આંકડા છુપાવવાનો ખેલ ફરી શરુ થઇ ગયો. જેમાં વડોદરા મહાનગર પાલિકાએ છેલ્લા 24 કલાકના આંકડા 400ની નજીક બતાવ્યા તો રાજ્ય સરકારની યાદી મુજબ આ આંકડો માત્ર 292 છે. એટલે 99 કેસ ઓછા દર્શાવ્યા. તેવી જ રીતે  અમદાવાદમાં કોરોનાથઈ મૃતકોની યાદી કરતા હોસ્પિટલના સ્ટાફની કબૂલાતમાં વિરોધાભાસ દેખાઇ રહ્યો છે.

 વડોદરા મહાનગર પાલિકાએ જારી કરેલા ડેટા પ્રમાણે નાણાવર્ષના અંતિમ દિને એટલે કે 31 માર્ચ સુધી શહેર અને ગ્રામ્યના કુલ કોવિડ-19 કેસોની સંખ્યા 28,780 દર્શાવી છે. જેમાંથી એક દિવસના નવા કેસો 391 હોવાનું જણાવ્યું છે.

પહેલી એપ્રિલ 2021ના સાંજે 5 વાગ્યા સુધી ટેસ્ટની સંખ્યા 5513 દર્શાવી છે. તેમાંથી 391 કેસ પોઝિટિવ અને નેગેટિવ કેસ 5,122 દેખાડ્યા છે. પરંતુ રાજ્ય સરકારની યાદી મુજબ વડોદરામાં છેલ્લા 24 કલાકમાં કેસની સંખ્યા 99 ઓછી દર્શાવવામાં આવી છે. જેનાથી આરોપ થઇ રહ્યો છે કે રાજ્ય સરકાર ફરી કોરોનાના કેસો છુપાવવાનો કારસો શરુ કરી દીધો હતો

 

અગાઉ ગત વર્ષે મધ્યમાં પણ કોરોનાના કેસો વધવા માંડતો રાજ્ય સરકાર આંકડા છુપાવી ઓછા દર્શાવતી હોવાનો કોંગ્રેસે આરોપ મૂક્યો હતો. ઉપરાંત ગત વર્ષે અમદાવાદ કોરોનાનું એપિસેન્ટર બની ગયું હતું. બીજી લહેરમાં પણ અમદાવાદમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે.

રોજ રાજ્યમાં 2 હજારથી 2400ની વચ્ચે કેસો નોંધાતા હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા બહાર પડાતો મૃત્યુઆંક 2-3થી આગળ વધતો જ નથી. જે શંકા જન્માવે છે. પરંતુ કબ્રસ્તાન અને સ્માશાનઘાટના આંકડા મુજબ માત્ર અમદાવાદમાં જ રોજ 7થી 8 કોરોનાના દર્દીના મોત થઇ રહ્યા હોવાનું જણાય છે.

એટલું જ નહીં શહેરની સરકારી હોસ્પિટલો કે જ્યાં અત્યારે કોરોના દર્દી સારવાર હેઠળ છે, ત્યાંના સ્ટાફે આપેલા મૃત્યુના આંકડા સરકારી આંકડાથી અલગ છે. તેઓ પણ કોરોનાથી મૃત્યુ વધુ હોવાનું નામ નહીં દર્શાવવાની શરતે જણાવી રહ્યા છે. રિપોર્ટ મુજબ અમદાવાદના 4 સ્મશાનગૃહમાં ગુરુવારે આવેલી ડેડબોડી પર નજર કરીએ તો પણ તેમાં સરકારી પોલ ખુલી પડે છે.

અહેવાલ મુજબ ગુરુવારે વીએસ સ્મશાનઘાટ ખાતે 7, જમાલપુરમાં 3, વાડજમાં 5, દધિચીમાં પણ 4થી 5 મૃતદેહ અંતિમ સંસ્કાર માટે આવ્યા હોવાનું જણાય છે. તેમાંથી પણ અંદાજ લગાવી શકાય કે એક દિવસમાં આશરે 20-21 માંથી કોરોનાના માત્ર 2 મોત કઇ રીતે હોઇ શકે?

(5:54 pm IST)