Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

સરકારી કર્મચારીઓને બહુ ગરમી લાગે છે, આખુ સચિવાલય સંકુલ એ.સી. કરવા રજૂઆત

સેન્‍ટ્રલી એ.સી. કરવાના ફાયદા વર્ણવ્‍યાઃ મુખ્‍યમંત્રીને પત્ર

રાજકોટ તા. ૩ :.. ધી ગુજરાત સચિવાલય સેકશન અધિકારી એસો. એ સચિવાલય સંકુલને સંપૂર્ણ વાતાનુફુલ્‍તિ (સેન્‍ટ્રલી એસી.) બનાવવા રજૂઆત કરી છે. એસો.ના મહામંત્રી બિન્‍દેશવત ગોસાઇ અને સંગઠન મંત્રી પ્રતાપસિંહ ચૌહાણના નામથી મુખ્‍યમંત્રીને પત્ર પાઠવી આ માંગણી કરવામાં આવી છે.

પત્રમાં જણાવાયુ છે કે છેલ્લા કેટલાક વર્ષોથી ગાંધીનગર રાજયના સૌથી ગરમ શહેરોમાંનું એક બની ગયું છે. આથી સચિવાલય સંકુલને સંપૂર્ણ વાતાનુફુલિત બનાવવા અંગે અધિકારી-કર્મચારીઓની માંગણી તીવ્ર બની છે.

વાતાનુફુલિત ઓફીસમાં બારીબારણા બંધ રહેવાના કારણે ધુળ કે જિવજંતુઓ પ્રવેશતા નથી. આથી ઓફીસ સ્‍વચ્‍છ અને સુઘડ રહે છે. તેનાથી ફર્નીચર અને રેકર્ડની જાળવણી પણ સારી રીતે થાય છે. એરકન્‍ડીશર્સને કારણે કોમ્‍પ્‍યુટર, પ્રિન્‍ટર જેવા ઇલેકટ્રોનિકસ સાધનો ઓવરહિટીંગ, ડસ્‍ટ જેવા કારણોસર ખરાબ થતા નથી અને તેમની આવરદા વધે છે.

એરકન્‍ડીશનર્સના અભાવે ઉનાળાની અસહ્ય ગરમીમાં કર્મચારીઓનું ડીહડ્રેશન, અસ્‍થમા, બેચેની જેવા કારણોસર સ્‍વાસ્‍થ્‍ય બગડે છે. કાર્યસ્‍થળ પર એરકન્‍ડીશનર્સના ઉપયોગથી વાતાવરણ સમ અને ઘોંઘાટરહિત રહે છે. બાહ્મ વિક્ષેપના અભાવે એકાગ્રતામાં વધારો થાય છે. આથી કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થાય છે.

વાતાનુફુલિત ઓફીસમાં કર્મચારીઓ વધુ સમય ગાળવા પ્રેરાય છે. આથી તેઓ પાસેથી મહત્તમ કામગીરી લઇ શકાય છે. એક એરકન્‍ડીશન સામે હાલ સરેરાશ-પ-૬ પંખા કે ર-૩ કુલરની જરૂરીયાત રહે છે. નાણા વિભાગે એરકુલર માટે મે અને જૂન બે માસ માટે ભાડેથી લાવવા ઠરાવ કરેલ છે. તે અન્‍વયે વિભાગો દ્વારા એરકુલરની સુવિધા ભાડેથી મેળવીને દર વર્ષે આપવામાં આવે છે. તેમજ ઉપરોકત એરકુલરમાં પાણી ભરવા માટે સેવકોની પણ નિમણુંક કરવાની થતી હોય છે. આથી ઉકત સાધનોનું વિજ બીલ - ભાડુ એરકન્‍ડીશનમાંના ખર્ચ જેટલુ જ આવે છે. ઉકત બાબત ધ્‍યાને લેતા એરકન્‍ડીશર્સ આર્થિક રીતે પણ ભારણરૂપ બનતા નથી.

(11:24 am IST)