Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

મંગળવારે રાહુલ ગાંધી દાહોદમાં : આદિવાસી સત્‍યાગ્રહ રેલી - સભા

આદિવાસી સમાજના સળગતા પ્રશ્નો, સંસ્‍કૃતિ માટે લડતનો નિર્ધાર જાહેર કરશે : ભરતસિંહ સોલંકી - અર્જુનભાઈ મોઢવાડીયા

અમદાવાદ : આદિવાસી સત્‍યાગ્રહ દાહોદ ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા જંગી રેલી અંગે પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્‍યુ હતું કે કોંગ્રેસ પક્ષના રાષ્‍ટ્રીય નેતા રાહુલ ગાંધી તા. ૧૦ મી મે દાહોદ ખાતે સવારે ૧૦ કલાકે વિશાળ સંખ્‍યામાં આદિવાસી ભાઈ - બહેનોને સંબોધન કરશે. આદિવાસી સત્‍યાગ્રહ રેલીને દાહોદ ખાતે રાહુલ ગાંધી કાર્યકરોને માર્ગદર્શન આપી આગામી સમયની અંદર વધુ મજબૂતીથી આદિવાસી સમાજના પ્રશ્નો માટે લડતના કાર્યક્રમો ખુલ્લા મૂકશે.

આદિવાસી સત્‍યાગ્રહ રેલીમાં આદિવાસી સમાજના સળગતા પ્રશ્નો, આદિવાસી અસ્‍મિતા, સંસ્‍કૃતિ માટે લડતનો નિર્ધાર જાહેર કરાશે. આદિવાસી સમાજને ભાઈ - બહેનોને તેમના બંધારણીય હક્ક અને અધિકાર મળે તે માટે કોંગ્રેસ પક્ષ લડત આપી રહ્યો છે. ગુજરાતમાં ભાજપાની સરકાર આદિવાસી સમાજની ઓળખ અને તેની સંસ્‍કૃતિને મોટાપાયે નુકશાન કરી રહી છે. મનરેગા, જંગલની જમીનના અધિકાર સહિત અનેક કાયદાનું ગુજરાતની ભાજપ સરકાર અમલ કરતી નથી અને જયાં દેખાવ પુરતી યોજના કરે તો તેમાં મોટાપાયે ભ્રષ્‍ટાચાર ભાજપના મળતીયા કરી રહ્યા છે. મનરેગામાં ઓછુ વેતન, કામના ઓછા કલાકો, કામના ઓછા દિવસો સહિત મોટાપાયે આર્થિક શોષણ ભાજપ સરકાર કરી રહી હોવાનું જણાવેલ.

આદિવાસી સત્‍યાગ્રહ દાહોદ ખાતે કોંગ્રેસ પક્ષના રાષ્‍ટ્રીય નેતા રાહુલ ગાંધીની જંગી રેલી અંગે પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ શ્રી અર્જુન મોઢવાડીયાએ જણાવ્‍યુ હતું કે આદિવાસી સત્‍યાગ્રહ રેલીને દાહોદ ખાતે નવજીવન આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજના ઐતિહાસિક મેદાન પર કોંગ્રેસ પક્ષના રાષ્‍ટ્રીય નેતા રાહુલ ગાંધી તા. ૧૦મી મેના રોજ સવારે ૧૦ કલાકે સંબોધન કરશે.

આ પત્રકાર પરિષદમાં કોંગ્રેસના રાજયસભાના સાંસદ ડો.અમીબેન યાજ્ઞિક અને ગુજરાત કોંગ્રેસના મુખ્‍ય પ્રવકતા ડો. મનીષ દોશી ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:19 pm IST)