Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

મહેમદાવાદ તાલુકાના રાસ્કા ચેકપોસ્ટ પાસે આવતું બાઈક સ્લીપ થતા પાછળ બેઠેલ યુવાનનું ગંભીર ઇજાથી મોત

નડિયાદ : મહેમદાવાદ તાલુકાના રાસ્કા ચેકપોસ્ટ પાસે બમ્પ આવતા એક બાઈક ચાલકે અચાનક બ્રેક મારતા બાઈક સ્લીપ થઈ ગયું હતું. બાઈક સ્લીપ થઇ જતાં પાછળ બેઠેલા યુવકને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા તેનું એલજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બાઇકચાલકને છાતીના ભાગે તથા અન્ય ભાગોએ વધતા ઓછા પ્રમાણમાં ઈજાઓ પહોંચી હતી.

અમદાવાદ સરસપુર ખાતે રવિ લક્ષ્મણભાઈ દુર્ગસ રહે છે. રવિનો જન્મદિવસ હોવાથી તેણે મિત્રો સાથે જન્મદિવસની બાપુનગર ખાતે ઉજવણી કરી હતી. ત્યારબાદ મિત્ર રવિ શ્રીમાળીની સ્પોર્ટ બાઇક લઇ રવિ તથા તેનો મિત્ર વિશાલ ભરતભાઈ સેન્દર તથા બીજા બાઈક પર મેહુલ વિનોદભાઇ પરમાર ડાકોર મંદિરે દર્શન કરવા નીકળ્યા હતા. તેઓ રાસ્કા ચેક પોસ્ટ પાસેથી પસાર થતા હતા ત્યારે અચાનક બમ્પ આવતા બાઈક સ્પીડમાં હોવાથી બ્રેક મારતા બાઇક રોડ પર સ્લીપ ખાઇ ગઇ હતી. 

ઈજાગ્રસ્ત બંને યુવકોને સારવાર અર્થે અમદાવાદ એલજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં વિશાલને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. આ બનાવ સંદર્ભે મહેમદાવાદ પોલીસે બાઈક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(6:23 pm IST)