Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

સ્વાદ રસિયાઓ આનંદો :હવે સુરત અપનાવશે “ઈન્દોર કોન્સેપ્ટ” :શહેરની તમામ પ્રખ્યાત વાનગીઓનો ચટાકો એક જ સ્થળે મળશે

સુરતમાં દેશની ત્રિદિવસીય સ્માર્ટ સમિટ યોજાઈ હતી. જેમાં સુરતની વાનગીઓનો સ્વાદ ચાખવા મળે તે માટે કાર્યક્રમ સ્થળ પર ખાણીપીણીના સ્ટોલ હતા જે મહેમાનોને ખુબ પસંદ પડી હતી

સુરતનું જમણ અને કાશીનું મરણ.એવી કહેવત છે  સુરતમાં સવારના નાસ્તાથી લઈને રાત્રી ભોજન સુધી ખાણીપીણીની એટલી બધી વેરાયટીઓ જોવા મળે છે. જે ભાગ્યે જ અન્ય કોઈ શહેરોમાં હોય. સુરતની મુલાકાતે આવતા લોકો પણ આવી વાનગીઓનો સ્વાદ માણવાનું ભૂલતા નથી. પણ અહીં એટલી બધી વાનગીઓનો રસાસ્વાદ મળે છે કે કોઈ એક વાનગીનો સ્વાદ લઈએ તો બીજી ખાવાની વાનગી રહી જાય. કોઈ શહેરના એક ખુણે મળે તો કોઈ બીજા ખૂણે. તેવામાં હવે કોર્પોરેશન ઇન્દોર ના કોન્સેપ્ટને અપનાવવા જઈ રહી છે.

વાસ્તવમાં થોડા દિવસો પહેલા જ સુરતમાં દેશની ત્રિદિવસીય સ્માર્ટ સમિટ  યોજાઈ હતી. જેમાં અલગ અલગ રાજ્યોના સ્માર્ટ શહેરોના પ્રતિનિધિઓ સુરતના મહેમાન બન્યા હતા. તેઓને પણ સુરતની વાનગીઓનો સ્વાદ ચાખવા મળે તે માટે કાર્યક્રમ સ્થળ પર ખાણીપીણીના સ્ટોલ રાખવામાં આવ્યા હતા. જે મહેમાનોને ખુબ પસંદ પણ પડી હતી.

ત્યારે સ્માર્ટ સીટી ઇન્દોર દ્વારા અપનાવવામાં આવેલ ઇન્દોર 56 કોન્સેપટને સુરત મહાનગરપાલિકા અમલમાં મુકવાનો વિચાર કરી રહી છે. ઇન્દોર શહેરે પોતાના શહેરની 56 જેટલી વાનગીઓ એક જ જગ્યાએ મળી રહે તેવું આયોજન કર્યું હતું. જેને પગલે હવે સુરત મહાનગરપાલિકા દ્વારા પણ આ કોન્સેપ્ટને અપનાવવાનું નક્કી કર્યું છે. જેમાં આવનારા સમયમાં પાલિકા દ્વારા શહેરના પ્રખ્યાત ડુમસ બીચ અથવા તો શહેરની વચ્ચોવચ્ચ એક એવું સ્થળ ઉભું કરવામાં આવશે. જ્યાં સુરતની તમામ પ્રખ્યાત વાનગીઓનો ચટાકો લોકોને મળશે.

જોકે ડુમસ બીચ દૂર પડી હતું હોય કોર્પોરેશન શહેરની વચ્ચોવચ્ચ એવી જગ્યા શોધી રહી છે. જ્યાં બહારથી આવતા પ્રવાસીઓ પણ સરળતાથી પહોંચી શકે અને ખાણીપીણીનો લ્હાવો લઇ શકે. જેમાં સુરતની ફેમસ વાનગીઓ જેમ કે સુરતી લોચો, ખમણ, પાટુડી, ઘારી, ભુસુ, પોંક, ઉંબાડિયું, ખાજા વગેરે, આ યોજના હેઠળ પાલિકા દુકાનો બનાવીને ભાડે આપવાનો વિચાર કરી રહી છે.

આમ, જો આ પ્રોજેક્ટ પૂરો થશે. તો સુરતની મુલાકાત લેનાર વ્યક્તિને આખું સુરત ફરવા જવાની જરૂર નહીં પડે, તે એક જ જગ્યાએ સુરતની અસંખ્ય વાનગીઓ ની મજા માણી શકશે.

   
(8:23 pm IST)