Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

નવસારી : રેલવે વ્યવહાર સંપૂર્ણ શરૂ ન કરાતા અપડાઉન કરતાં નોકરિયાતો હેરાન :રાબેતા મુજબ ટ્રેનો શરૂ કરવા માંગ

ટ્રેનોને રાબેતા મુજબ શરૂ કરવા માટે નવસારી રેલવે સલાહકાર સમિતિ, નવસારીના ધારાસભ્ય, પિયુષભાઈ દેસાઈ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલ દ્વારા પણ રેલવે મંત્રાલયમાં અનેક પત્રવ્યવહાર દ્વારા જાણ કરાઈ

નવસારી  જિલ્લામાંથી સુરત નોકરી ધંધા માટે જતાં 70 હજારથી વધુ લોકો અપડાઉન કરે છે.જેમાં મોટો વર્ગ ટ્રેનનો ઉપયોગ રોજિંદા અપડાઉન માટે કરે છે પરંતુ કોરોના મહામારીના કારણે રેલવે મંત્રાલય દ્વારા ટ્રેનો બંધ કરી દેવામાં આવી હતી.હવે ધીરે-ધીરે ટ્રેનો શરૂ કરવામાં આવી છે પરંતુ અપડાઉન કરતાં લોકો માટે ટ્રેનોની સુવિધા અપૂરતી છે.જેને કારણે અપડાઉન કરતા વર્ગને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વલસાડ અને સુરતની વચ્ચે રાબેતા મુજબ ટ્રેનો શરૂ ન થતાં હજી ઘણા મુસાફરો અને રોજિંદા અપડાઉન કરનારા લોકોએ ખાનગી વાહનો અથવા બસ સેવાનો ઉપયોગ કરવો પડે છે.સરવાળે આ કારમી મોંઘવારીમાં લોકોએ વધુ પૈસા ખર્ચીને નોકરીએ જવું પડી રહ્યું છે..

ભારતીય રેલવે અર્થતંત્રની નસોમાં લોહી બનીને દોડે છે, પરંતુ રેલવે વિભાગ દ્વારા અમુક ટ્રેનો હજી સુધી શરૂ ન કરાતા ક્યારેક મુસાફરી કરનારાને તો વાંધો નથી આવતો પરંતુ રોજિંદા મુસાફરોની તકલીફ વધી ગઈ છે. ટ્રેનોને રાબેતા મુજબ શરૂ કરવા માટે નવસારી રેલવે સલાહકાર સમિતિ, નવસારીના ધારાસભ્ય, પિયુષભાઈ દેસાઈ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલ દ્વારા પણ રેલવે મંત્રાલયમાં અનેક પત્રવ્યવહાર દ્વારા જાણ કરવામાં આવી હતી. આ અંગે રેલ્વે સલાહકાર સમિતિના સભ્ય સંતોષભાઈ લોટાણીએ જણાવ્યું હતું કે આ અંગે આજ દિન સુધીકોઈ નક્કર કામગીરી નથી કરવામાં આવી નથી. તેમજ રેલવે વ્યવહાર ક્યારે સામાન્ય કરાશે ટે અંગે પણ કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

નવસારી જિલ્લાની જો વાત કરવામાં આવે તો હાલ અપ ડાઉન કરવા માટે માત્ર એક ટ્રેન કાર્યરત છે.જેમાં અંદાજિત ૭૦ હજારથી વધુ લોકો રોજ સુરત અને અંકલેશ્વર જેવા શહેરોમાં રોજગારી માટે જાય છે.હવે જ્યારે કોરોના હળવો થયો છે ત્યારે હવે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ટ્રેનોને ફરી એકવાર રાબેતા મુજબ શરૂ કરે તો આ મુસાફરો અને પાસ હોલ્ડરોની તકલીફ ઓછી થાય

(12:45 am IST)