Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

હાઈબીપી આજકાલ સામાન્‍ય થઈ ગયું છેઃ તેને જૂની બિમારી ગણાવી વીમાનું વળતર આપવાથી છટકી ન શકાય

ગ્રાહક અદાલતે વીમા કંપનીને મ્‍યુકોર્માયકોસિસની સારવાર માટે પોલિસીધારકને મેડિક્‍લેમ ચૂકવવાનો આદેશ આપ્‍યો

અમદાવાદ, તા.૩: હાયપર ટેન્‍શન એટલે કે હાઈબીપીને જૂની બીમારી ગણાવી ન શકાય, પોતાના ચુકાદામાં આ વાત કહેતા ગ્રાહક અદાલતે વીમા કંપનીને મ્‍યુકોર્માયકોસિસની સારવાર માટે પોલિસીધારકને મેડિક્‍લેમ ચૂકવવાનો આદેશ આપ્‍યો છે. મહત્‍વનું છે કે કોરોનાની જીવલેણ બીજા લહેર દરમિયાન કોવિડ-૧૯ ચેપ પછી મ્‍યુકોરમાઈકોસિસ ફૂગના ચેપની સારવાર માટે વળતર માગતી અરજીને એ આધાર પર નકારી કાઢવામાં આવી હતી કે દર્દી પહેલાથી જ હાઈબીપીથી પીડાતો હતો અને વીમો લેતા વખતે તેમણે આ માહિતી છુપાવી હતી. ગાંધીનગર જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગે અવલોકન કર્યું કે હાયપરટેન્‍શન કે હાઈબીપી આજકાલ એટલું સામાન્‍ય બની ગયું છે કે તેને બીમારી ગણી શકાય નહીં. ‘જેમ કે હાઈબીપીને દવા દ્વારા નિયંત્રણમાં રાખી શકાય છે. તેથી તેને પહેલાથી અસ્‍તિત્‍વમાં હોય તેવી બીમારી તરીકે ગણાવી શકાય નહીં.' તેવું કોર્ટે સુનાવણી દરમિયાન અવલોકન કર્યું હતું.

આ કિસ્‍સામાં, ગાંધીનગરના રહેવાસી અમૃતભાઈ પટેલ એક નિવૃત્ત કર્મચારી છે. જેમને એપ્રિલ ૨૦૨૧માં કોવિડ -૧૯નું સંક્રમણ થયું હતું અને હોસ્‍પિટલમાં પાંચ દિવસ સુધી સારવાર કરવામાં આવી હતી. કોવિડમાંથી સાજા થયા પછી પટેલ અનેક સ્‍વાસ્‍થ્‍ય સમસ્‍યાઓથી પીડાતા રહ્યા. અનેક ટેસ્‍ટ કર્યા પછી એક મહિના બાદ નિદાન થયું કે તેમને મ્‍યુકોર્માયકોસિસ થયું છે.

અમૃતભાઈ પટેલે મે ૨૦૨૧માં એક ખાનગી હોસ્‍પિટલમાં સર્જરી કરાવી હતી. તેમણે બ્‍લેક ફંગસની સારવાર માટે રૂ. ૭.૫૨ લાખ ચૂકવ્‍યા હતા. તેમની પાસે રિલાયન્‍સ જનરલ ઈન્‍સ્‍યોરન્‍સ કંપની લિમિટેડનો સ્‍વાસ્‍થ્‍ય વીમો હતો. વીમા કંપનીએ તેમને કેશલેસ સુવિધાનો આપવાની ના પાડી દીધી હતી. જયારે તેમણે રિફંડનો દાવો કર્યો, ત્‍યારે વીમા કંપનીએ તેમનો દાવો પણ નકારી કાઢ્‍યો હતો. જે બાદ અમૃતભાઈ પટેલે કન્‍ઝ્‍યુમર કમિશનમાં ફરિયાદ નોંધાવી હતી, જયાં વીમા કંપનીએ પોતે અરજી નકારી કાઢવા માટે બચાવ કરતા કહ્યું કે પટેલની મેડિકલ હિસ્‍ટ્રીશીટ દર્શાવે છે કે દર્દી ઘમા સમયથી હાઈબીપીથી પીડાય છે, પરંતુ વીમો લેતી વખતે તેમણે પોતાની બિમારી વિશે જાહેર કર્યું ન હતું. વીમા કંપનીએ તેને નોન ડિસ્‍ક્‍લોઝર કલમનો ભંગ ગણાવ્‍યો અને કહ્યું કે તેમની પોલિસી રદ કરવા માટે પાત્ર છે.

કેસની સુનાવણી કર્યા પછી કમિશને કહ્યું, ‘હાલમાં, મોટી સંખ્‍યામાં લોકોમાં હાઇપરટેન્‍શન અથવા તો હાઈબીપીના શિકાર હોય છે જે આજકાલ ખૂબ જ સામાન્‍ય બની ગયું છે. હકીકતમાં આ એક રોગ પણ રહ્યો નથી. હાઈપરટેન્‍શન ધરાવતી વ્‍યક્‍તિ ગોળીઓ લઈને તેને નિયંત્રણમાં રાખી શકે છે અને સામાન્‍ય જીવન જીવી શકે છે. દવાની મદદથી હાયપરટેન્‍શનને નિયંત્રણમાં રાખી શકાય છે, તેથી તેને પહેલાથી અસ્‍તિત્‍વ ધરાવતા રોગ તરીકે ન ગણી શકાય. આ કિસ્‍સામાં જે મહત્‍વનું છે તે એ છે કે કોવિડ-૧૯ અને મ્‍યુકોર્માયકોસિસ જેવા રોગોને હાયપરટેન્‍શન સાથે કોઈ લેવાદેવા નથી. તેમની વચ્‍ચે કોઈ સંબંધ નથી. આ અવલોકન સાથે કમિશને વીમા કંપનીને વીમા ધારક અમૃતભાઈ પટેલને ૭% વ્‍યાજ સાથે રૂ. ૭.૫૨ લાખ ચૂકવવાનો આદેશ આપ્‍યો. આ સાથે વીમા કંપનીને અરજીકર્તાને થયેલી માનસિક હેરાનગતિ અને કાયદાકીય ખર્ચ માટે વળતર તરીકે રુ. ૧૦,૦૦૦ વધારાની ચૂકવણી કરવાનું પણ કહેવામાં આવ્‍યું છે.

(10:22 am IST)