Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં લીલા લાકડાની હેરાફેરી થવાની ફરિયાદથી પોલીસે વધુ તપાસ હાથ ધરી

ખેડા:જિલ્લાના કઠલાલ તાલુકામાં છેલ્લાં કેટલાય સમયથી લીલા લાકડાની બેરોકટોક હેરાફેરી થતી હોવાની ફરિયાદો ઉઠી છે.  આ પંથકમાં નિયમિત હજારો ટન લીલા ઝાડોનું કટીંગ કરી સો મીલો તથા પીઠાઓમાં ઠલવાતા હોવાના આક્ષેપો પણ થયા છે. ઉપરાંત વનવિભાગના જવાબદાર અધિકારીઓની રહેમનજર હેઠળ જ આવા વૃક્ષોની હેરાફેરી થતી હોવાની ચર્ચા પણ ટોક ઓફ ધ ટાઉન બની છે. કઠલાલ પંથકમાં લીલા વૃક્ષોના નિકંદનની  પ્રક્રિયા ફૂલીફાલી છે. તાલુકાના વિવિધ ગામોમાંથી રોજના હજારો ટન વૃક્ષો ગેરકાયદેસર રીતે કટીંગ થઇ રહ્યા છે. એકબાજુ સરકરા વધુ વૃક્ષો વાવોના નારા હેઠળ લાખો રૂપિયાની ગ્રાન્ટો ફાળવી હોવાની જાહેરાતો કરે છે. તો બીજી તરફ જિલ્લામાં લીલા વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે. વિકાસના નામે, હાઇવે બનાવવાના નામે ફોરલેન, સીક્સલેનના કામે કરોડો વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે. ત્યારે વનવિભાગ દ્વારા જ્યાં કાપવાની જરુર નથી તેવી જગ્યાઓએથી પણ મલાઇની લાલચે વૃક્ષો કાપવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો થયા છે.  અધિકારીઓની રહેમનજર હેઠળ આવા વૃક્ષો કાપતા ગુનેગારો પણ બેફિકર થઇને વૃક્ષો કાપી રહ્યા છે. કઠલાલ ગામ અને તેની આસપાસના ગામોમાંથી લીમડો, બાવડ, આંબા, કણજ જેવા લીલા ઝાડો બેરોકટોક કાપવામાં આવી રહ્યા છે.  જો કે આ કારણે અસહ્ય ગરમી  અને ઉકળાટ વધી રહ્યો છે. તો પંખીઓને પણ રહેવાની જગ્યાઓ ઓછી થતી જાય છે. કઠલાલ પંથકમાં રોજ ધોળા દિવસે આવા હજારો ટન વૃક્ષોનું લાકડું ટ્રેકટરમાં તાલુકાના પીઠાઓ અને સો મીલોમાં ઠલવાતા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. એકબાજુ સરકાર દ્વારા વનમહોત્સવ કરી વધુ વૃક્ષો વાવો પર્યાવરણ બચાવોના નારા લગાવી રહ્યા છે, તો બીજી તરફ આ રીતે ગેરકાયદેસર વૃક્ષોનું નિકંદન થતા જિલ્લાવાસીઓમાં રોષ ફેલાયો છે. સત્વરે આવા વૃક્ષો કાપતા ઇસમો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

(6:21 pm IST)