Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને અમદાવાદ ખાતે કાલે “વિશ્વ પર્યાવરણ દિવસ”ની રાજ્ય કક્ષાની ઉજવણી કરાશે

વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી જગદીશભાઇ વિશ્વકર્મા ઉપસ્થિત રહેશે:૧૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની નવનિર્મિત સુરત,અંક્લેશ્વર અને સરીગામ પ્રાદેશિક કચેરીઓના વર્ચ્યુઅલ લોકાર્પણ કરાશે :આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત મુખ્યમંત્રી નાગરિકોને ‘પ્લાસ્ટિક મુક્ત અને હરિયાળા ગુજરાત’ માટે સંકલ્પ લેવડાવશે

અમદાવાદ :તા. ૫ જૂન, ૨૦૨૨ વિશ્વ પર્યાવરણ દિનની રાજ્ય કક્ષાની ઉજવણી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તથા વન અને પર્યાવરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર, અમદાવાદ ખાતે

કરવામાં આવશે. વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી જગદીશભાઇ વિશ્વકર્મા તેમજ ધારાસભ્યશ્રીઓ તથા અન્ય મહાનુભવો ઉપસ્થિત રહેશે તેમ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની યાદીમાં જણાવાયું છે.
આ કાર્યક્રમમાં અંદાજિત ૧૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની નવનિર્મિત સુરત, અંક્લેશ્વર અને સરીગામ પ્રાદેશિક કચેરીઓના વર્ચુઅલ લોકાર્પણ તથા જીપીસીબી દ્વારા તૈયાર થયેલ જોખમી કચરાના નિકાલ માટે અતિ મહત્વપૂર્ણ વ્હિકલ લોકેશન ટ્રેકિંગ સીસ્ટમનું  લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત સુરત ખાતેના ઉત્સાહજનક પરિણામ બાદ અમદાવાદમાં પણ એમિશન ટ્રેડિંગ સ્કીમનું લોકાર્પણ કરાશે, જેમા આશરે ૨૦૦ ઔદ્યોગિક એકમોની શરુઆત થશે, જેથી અમદાવાદની હવાની ગુણવત્તામાં વધુ સુધારો થશે.
આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પ્લાસ્ટિક મુક્ત ભારતના સ્વપ્નને ચરિતાર્થ કરવાની દિશામાં થયેલ પ્રયત્નો વિશે ટૂંકી ફિલ્મ તથા ગ્રામિણ વિસ્તારમાં જન જાગૃતિના થયેલ પ્રયત્નોને આવરી લેતા પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત મુખ્ય મંત્રી નાગરિકોને ‘પ્લાસ્ટિક મુક્ત અને હરિયાળા ગુજરાત’ માટે સંકલ્પ લેવડાવશે. આ સંપૂર્ણ કાર્યક્રમ “ઝીરો વેસ્ટ ઇવેન્ટ” રહેશે. જેમાંથી ઉદ્દભવતા કચરાના રિ-સાયકલીંગની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. મહાનુભાવોને આપવામાં આવનાર પેન તથા આમંત્રણ પત્રિકા પ્લાન્ટેબલ એટલે કે, બીજ સાથે ઉગી શકે તેવા બનાવવામાં આવ્યા છે તેમ યાદીમાં વધમાં જણાવાયું છે.

(8:20 pm IST)