Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

બોરસદના ખેડાસા ગામે બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર નરાધમને ઝડપવા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી

આણંદ : આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ખેડાસા તાબેના રામપુરા વિસ્તારમાં ગામના એક શખ્સે એક માસૂમ બાળા સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરવાનો પ્રયાસ કરી કુચેષ્ટાઓ કરતા નાનકડા ગામમાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે ભાદરણ પોલીસે ગત રોજ ગુનો નોંધી ફરાર થઈ ગયેલ શખ્સને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બોરસદ તાલુકાના ખેડાસા તાબે રામપુરા વિસ્તારમાં રહેતો ઠાકોરભાઈ રણછોડભાઈ પઢિયાર એપ્રીલ-૨૦૨૨ થી મે-૨૦૨૨ના સમયગાળા દરમ્યાન ગામની જ એક આઠ વર્ષીય બાળાને લાલચ આપી ઉચકીને પોતાના ઘરે લઈ ગયો હતો. જ્યાં આ માસૂમ બાળાના વસ્ત્રો ઉતારી તેણી સાથે અડપલા કર્યા બાદ દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં આ માસૂમ બાળા સાથે શારીરિક કુચેષ્ટા કરી સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચર્યું હતું. જે અંગે માસૂમ બાળાએ પોતાના માતા-પિતાને જાણ કરતા માતા-પિતા ઠાકોરભાઈ પઢિયારને ઠપકો આપવા ગયા હતા ત્યારે ઠાકોરભાઈ પઢિયારે બાળાના માતા-પિતાને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આખરે બાળાના પરિવારજનોએ આ અંગે ભાદરણ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા બાળા સાથે આવું જધન્ય કૃત્ય કરનાર ઠાકોર પઢિયાર ફરાર થઈ ગયો હતો. ભાદરણ પોલીસે તેની વિરુદ્ધ ગુનો નોંધી સમગ્ર ઘટનાની વધુ તપાસ પેટલાદના સીપીઆઈને સોંપવામાં આવી છે.

(5:27 pm IST)