Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

મગફળીનું જંગી ઉત્પાદન થશે, ખેડૂતો માટે ભાવાંતર સહિતના વિકલ્પો વિચારણામાં

સીંગદાણાની નિકાસ વધારવા કેન્દ્રમાં રજુઆત : કૃષિ મંત્રી આર.સી.ફળદુની અકિલા સાથે વાતચીત : તેલ મીલરોને પ્રોત્સાહિત કરવા માટે પ્રયાસ, સીંગતેલ બાબતે જનજાગૃતિ કરાશે : ટેકાના ભાવે ખરીદવાની થાય તો સુદ્રઢ વ્યવસ્થા ગોઠવાશે

રાજકોટ તા. ૪ : ગુજરાતમાં આ વરસે સારા ચોમાસાના એંધાણ છે. પ્રારંભિક વરસાદ સમયસર પૂરતા પ્રમાણમાં થઇ જતાં ખેડૂતોએ હોશેહોશે વાવણી કરી દીધી છે. હવે અઠવાડિયામાં ફરી વરસાદની જરૂરી છે. સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે ખરીફ પાક તરીકે કપાસ અને મગફળીનું વાવેતર થાય છે. આ વર્ષે ગયા વર્ષ કરતા મગફળીનું વાવેતર વધુ થયું છે. સરકારી આંકડા મુજબ ૨૭ જુલાઇ સુધીમાં ગયા વર્ષની સરખામણીએ ૬,૫૦,૪૯૯ હેકટરમાં મગફળીનું વાવેતર વધુ થયું છે. કુલ વાવેતર ૨૦,૩૭,૭૪૮ હેકટરમાં થયું છે. સંભવિત પુષ્કળ ઉત્પાદનને ધ્યાને રાખીને સરકારે ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવ અપાવવા આગોતરૂ આયોજન શરૂ કર્યું છે.

રાજ્યના કૃષિ મંત્રી શ્રી આર.સી.ફળદુએ આજે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે, ટેકાના ભાવે ખરીદીની વ્યવસ્થા છે જ. જો આ વર્ષે પણ ટેકાના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય થાય તો સુદ્રઢ વ્યવસ્થા ગોઠવવામાં આવશે. ટેકાના ભાવ ઉપરાંત સીંગદાણાની નિકાસ વધારવા માટે કેન્દ્રમાં રજૂઆત કરવામાં આવશે. તેલ મિલરોને પીલાણ માટે પ્રોત્સાહન અપાશે. સીંગદાણાનો વપરાશ હોય તેવા ધંધાઓને પ્રોત્સાહિત કરાશે. સીંગતેલના વપરાશ માટે લોકજાગૃતિના પ્રયાસો થશે. મગફળી મોટા પ્રમાણમાં પાકવાની સંભાવનાના પગલે ટેકાની ખરીદીના વિકલ્પે ભાવાંતર યોજના દાખલ કરવાની વિચારણા છે. કેન્દ્ર સરકાર પાસે તેની મંજુરી માંગવામાં આવશે. ભાવાંતર યોજનામાં સરકાર મગફળી ખરીદવાના બદલે બજાર ભાવ અને ટેકાના ભાવ વચ્ચેની તફાવતની રકમ સીધી ખેડૂતોના ખાતામાં જમા કરી શકે છે. સરકાર ખેડૂતલક્ષી એકથી વધુ વિકલ્પો વિચારી રહી છે. ટુંક સમયમાં નિર્ણય થઇ જશે. સરકાર ખેડૂતોના કલ્યાણ માટે કાર્યરત છે.

મગફળી આંકડાકીય દ્રષ્ટિએ

(૨૭ જુલાઇની સ્થિતિએ હેકટર મુજબ વાવેતર)

. છેલ્લા ૩ વર્ષનું સરેરાશ વાવેતર

૧૫,૪૦,૦૭૮

. ગયા વર્ષે આ સમય સુધીનું વાવેતર

૧૩,૮૭,૨૪૯

. આ વર્ષે અત્યાર સુધીનું વાવેતર

૨૦,૩૭,૮૪૮

. નોર્મલ વાવેતર વિસ્તારની સામે ચાલુ વર્ષનું વાવેતર

૧૩૨.૩૧ ટકા

(11:55 am IST)