Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

ગુજરાતમાં હજારો લોકોએ ''ડબ્બા''માં અબજો રૂપિયા ગુમાવ્યા : અમદાવાદ મોખરે

સોના-ચાંદીનો સટ્ટો : તેજીએ ડબ્બામાં વેંચાણના સોદા કરનારને રડાવ્યા

અમદાવાદ,તા.૪ : સોના અને ચાંદીમાં છેલ્લા એક માસમાં ઉછાળો આવતા એમસીએકસમાં વેચાણ કરીને બેઠેલા સટોડિયાઓને કરોડોનું ધોવાણ થયુ છે. એમસીએકસમાં ડબ્બામાં માથે સોનું અને ચાંદીમાં કરતા એકલા અમદાવાદમાં જ આશરે અઢીસો કરોડથી વધુનું નુકસાન થયાનો અંદાજ છે. જયારે ગુજરાતમાં અબજો રૂપિયા ડબ્બામાં ગુમાવ્યા હોવાનું જાણવા મળે છે. બીજી તરફ સોના અને ચાંદીમાં વેચાણ કરીને હારી ગયેલા સટ્ટોડિયાઓ પાસે ઉઘરાણી માટે બોકસરો મોકલવાનું ચાલુ કરી દેવામાં આવ્યુ છે.

અમદાવાદ સહિત ગુજરાતમાં સોના-ચાંદી અને શેરબજારમાં ડબ્બામાં દરરોજ કરોડો રૂપિયાનું કામકાજ ચાલી રહ્યુ છે. જેમાં શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં સવારે શેરબજારના ડબ્બા અને બપોર બાદ સોના-ચાંદીના ડબ્બામાં સોદાનું કામકાજ મોબાઈલ દ્વારા કરવામાં આવી રહ્યુ છે. છેલ્લા ઘણા સમયથી શેરબજારમાં પણ એકધારૂ વધવાને લીધે વેચાણ કરનારને કરોડો રૂપિયાનું નુકસાન થયુ છે. જેમાં કેટલાક લેભાગુ તત્ત્વો દ્વારા શેરબજારમાં હારી ગયેલાનું ૨૫ થી ૪૦ ટકામાં ઉઘરાણીનું કામકાજ સોંપવામાં આવે છે.  અમદાવાદમાં શેરબજારના ડબ્બાનું આશરે એકાદ હજારથી વધુ લોકો કામકાજ કરી રહ્યા છે. જયારે સોના અને ચાંદીમાં એમસીએકસના ડબ્બામાં આશરે ૮૦૦ થી વધુ લોકો કામકાજ કરે છે. સોના અને ચાંદીમાં મોટાભાગના સોની અને સટ્ટોડિયાઓ નુકસાન થયાનો અંદાજ છે. જયારે શેરબજારમાં યુવા વર્ગ સટ્ટાના રવાડે ચઢી ગયો હોવાથી મોટાભાગે બેક નિફ્ટી, મારુતિ જેવી સટ્ટાકીય શેરોમાં લે-વેચ કરતા હોય છે.

(11:56 am IST)