Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

વ્યાજ માફીયા-ડ્રગ ડીલર્સો અને ખંડણીખોરો પર તૂટી પડવા અજયકુમાર તોમરનો આદેશ

૧૦ માસ સુધી સુરતના સીપી રહેલા આર.બી.બ્રહ્મભટ્ટ પાસેથી નવનિયુકત કમિશ્નરે ફકત ૧૦ મીનીટમાં સુરતનો આખો ચિતાર મેળવી લીધો : ક્રાઇમ કંટ્રોલ જેટલુ જ મહત્વનું કોરોના કંટ્રોલઃ અમદાવાદમાં ઘડાયેલી અસરકારક રણનીતીનો સુરતમાં અમલ કરી કોરોના સંદર્ભેની રાજય સરકારની નીતીનો અમલ કરવા પોલીસ સક્રિય રહેશેઃ ડાયમંડ નગરીની કાયદો વ્યવસ્થા માટે ઘડાયેલા માસ્ટર પ્લાનનો ચાર્જ સંભાળતાની સાથે જ અકિલા સમક્ષ ચિતાર રજુ કર્યો : લોકોની ફરીયાદોનો પોલીસ મથકમાં જ નિકાલ થઇ જવો જોઇએ, ફરીયાદ નિકાલ નહી થઇ રહયાની તમારી ફરીયાદ આવશે તો આકરા પગલા માટે તૈયાર રહેવું પડશેઃ અમદાવાદના નવનિયુકત પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ આકરા પાણીએ

રાજકોટ, તા., ૪ : ડાયમંડ નગરી એવી સુરતના પોલીસ કમિશ્નર તરીકે અમદાવાદ ક્રાઇમ બ્રાચના સ્પેશ્યલ પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરે પુર્વ પોલીસ કમિશ્નર રાજેન્દ્ર બ્રહ્મભટ્ટ પાસેથી વિધિવત ચાર્જ સંભાળવાની સાથે સાથે ૧૦ માસ સુધી પોલીસ કમિશ્નર રહેલા આર.બી.બ્રહ્મભટ્ટ પાસેથી ફકત ૧૦ મીનીટમાં સુરત શહેરની મહત્વની બાબતોની જાણકારી હાંસલ કરી લીધી હતી.

રાજય પોલીસ તંત્રના કાર્યદક્ષ અને પોલીસ તથા પ્રજાને સેતુરૂપ જોડી શકે તેવા અને નાનામાં નાના પોલીસ સ્ટાફની મુશ્કેલી સમયે જાતે પહોંચી જતા આ આઇપીએસ સામાન્ય લોકોને કોઇ જાતની તકલીફ ન પડવી જોઇએ તેવી સ્પષ્ટ વાત સેકટર વડાઓ તથા તમામ ડીસીપીઓ સાથેની ચર્ચામાં સ્પષ્ટ રીતે જણાવી હતી.

અકિલા સાથેની વાતચીતમાં પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરે જણાવેલ કે ક્રાઇમ કંટ્રોલ સાથે કોરોના કંટ્રોલ પણ ખુબ જ મહત્વનો હોવાથી અમદાવાદમાં તેઓએ તંત્રને મદદરૂપ થવા પોલીસ માટે જે અસરકારક રણનીતી તૈયાર કરી હતી તેનો સુરતમાં અમલ કરવામાં આવશે.

તેઓએ  જણાવેલ કે વ્યાજ માફીયાઓ, ડ્રગ્સ ડીલરો અને લુખ્ખાગીરી કરવા માટે પંકાયેલા માથાભારે શખ્સો માપમાં રહે તેવો સંદેશો પણ તમામ પોલીસ મથકોને પહોંચતો કરી દેવામાં આવ્યો છે.

ગીચ અને નાની શેરીઓમાં અમદાવાદના કાર્યકાળ દરમિયાન સાયકલ પર પેટ્રોલીંગ કરવાની આગેવાની લેનાર આ પોલીસ કમિશ્નરે ગીચ વિસ્તારોમાં જયાં પોલીસ વાન જઇ શકતી નથી તેવા વિસ્તારોને અલગ કરવા સાથે ત્યાં જરૂર જણાયે સાયકલ પેટ્રોલીંગ પણ ગોઠવવા તૈયારીઓ રાખી છે.

મુંબઇની અંધારી આલમના ડોનનું નેટવર્ક અને ખંડણીખોરી જેવી પ્રવૃતિઓ ફુલે ફાલે નહિં તે માટે સુરતના એડીશ્નલ પોલીસ કમિશ્નર એચ.આર.મુલીયાણા કે જેઓ હાલમાં જ સુરત (ક્રાઇમ એન્ડ ટ્રાફીક) માંથી બદલી સુરતના સેકટર-રમાં બદલાયેલા આ અધિકારી સાથે તેમના લાંબા અનુભવને ધ્યાને લઇ ચર્ચાઓ કરવા સાથે ક્રાઇમ બ્રાન્ચને આ દિશામાં એકટીવ કરવા માટે ચર્ચાઓ કરી હતી. આમ અજયકુમાર તોમરે ચાર્જ સંભાળતાની સાથે જ સુરત પોલીસ તંત્રને પોતે કંઇ રીતે કામ લેશે તેનો અણસાર આપી દીધો છે. ટુંકમાં કહીએ તો પોલીસને હવે ક્રાઇમ કંટ્રોલ સાથે કોરોના કંટ્રોલ કરવા વિવિધ વિસ્તારોમાં સતત ઝઝુમવું પડશે.

દરમિયાન અમદાવાદના નવનિયુકત પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે પણ મ્યુનિસીપલ કોર્પોરેશનના તંત્રને મદદરૂપ થવા કોરોના સંદર્ભેની રાજય સરકારની નીતીનો ચુસ્ત અમલ કરવા પોલીસને જણાવવા સાથે પોલીસ તંત્રએ લોકોની ફરીયાદનો સંતોષકારક નિકાલ કરવો જેથી પ્રજાએ પોલીસ કમિશ્નર સુધી આવવું ન પડે, તેઓએ જણાવેલ કે પ્રજાની ફરીયાદ પ્રત્યે દુર્લક્ષ સેવનારાઓની ખેર નહિ રહે.

બદલી પામેલા સુરતના પોલીસ કમિશ્નર આર.બી.બ્રહ્મભટ્ટે ફકત અડધી કલાકમાં બંગલો ખાલી કરી દીધો

રાજકોટઃ સામાન્ય રીતે જયારે ઉચ્ચ આઇપીએસ અધિકારીઓની બદલી થાય છે ત્યારે મોટા ભાગે બંગલો ખાલી કરવામાં ભારે આળશ કરવામાં આવતી હોય છે. વડોદરામાં એક સમયે પુર્વ કમિશ્નર અને જે તે સમયે બદલી પામેલા પોલીસ કમિશ્નર વચ્ચે બંગલાનો વિવાદ મુખ્યમંત્રી સુધી પહોંચ્યો હતો.

જયારે સુરતના કિસ્સામાં વડોદરા બદલાયેલા પોલીસ કમિશ્નર આર.બી.બ્રહ્મભટ્ટે ફકત અડધી કલાકમાં જ પોતાના સરકારી બંગલો ખાલી કરી ઉમદા ઉદાહરણ પુરૂ પાડયું હતું.

(12:03 pm IST)