Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં નજીવી બાબતે ઝપાઝપી થતા યુવક પર ચપ્પુથી હુમલો થતા સારવાર દરમ્યાન મૃત્યુ

અમદાવાદ: શહેરના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા માવિનગરમાં રહેતો નિતેશ તેના ઘરની બહાર ઉભો હતો ત્યારે અમરાઈવાડીમાં શિવ હનુમાન મંદિર પાસે રહેતો આસિફ અને માવિનગર તારાચંદ ચાલીમાં રહેતો શિવમ જીતેન્દ્રભાઈ નિતેશ સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા.

બાદમાં બંનેએ નિતેશના માથામાં, પેટમાં અને છાતીના ભાગે ઉપરાઉપરી ચાકુના ઘા મારતા નિતેશ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. તેને છોડાવવા અમરાઈવાડીમાં રહેતો શંકર ગોપીચંદ નીમજે અને તેના મિત્રો જતા આરોપીઓએ તેમને ચાકુ બતાવતા ભાગી ગયા હતા. બીજી તરફ નિતેશને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવાયો હતો જ્યાં તેને મૃત ઘોષિત કરાયો હતો.

અંગે શંકર નીમજેએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં આસિફ અને શિવમ જિતેન્દ્ર વિરૂદ્ધ ગુનો નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(5:52 pm IST)