Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

રજૂઆત માટે ગાંધીનગર આવેલા ખેડૂતોની અટકાયત

બનાસકાંઠાના ખેડૂતો પાણીના પ્રશ્ને પાટનગર પહોંચ્યા : ખરીફ સીઝનમાં રાજ્યમાં ૨૫ લાખ હેક્ટર જમીનમાં વાવણી થઇ ચુકી છે ત્યારે વરસાદ ખેંચાતા હાલાકી

ગાંધીનગર , તા.૫ : બનાસકાંઠાના ખેડૂતો આજે ગાંધીનગર સચિવાલય ખાતે આવી પહોંચ્યા હતા. બનાસકાંઠામાં પાણી અંગેની કોઇ વ્યવસ્થા કરવામાં આવી નથી તેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. જેના કારણે ખેડૂતો આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરી પાણીના મુદ્દે રજૂઆત કરશે. પરંતુ બનાસકાંઠાથી પાણીનો મુદ્દો લઈ આવેલા ખેડૂતોની ગાંધીનગર પોલીસે અટકાયત કરી છે. રાજ્યમાં ચોમાસું શરૂ થઇ ચુક્યું છે. જો કે હવે મેઘરાજા રિસાયા હોય તેવો ઘાટ છે. ગુજરાતનાં મોટા ભાગનાં વિસ્તારોમાં છેલ્લા ૪ દિવસથી વરસાદ નથી.

ગુજરાતમાં ખરીફ સીઝનમાં રાજ્યના ખેડૂતોએ અત્યાર સુધીમાં ૧૯.૨૫ ટકા એટલે કે ૨૫ લાખ હેક્ટર જમીનમાં વાવણી થઇ ચુકી છે. તેવામાં જો વરસાદ હજી પણ ખેંચાશે તો ખેડૂતોનો પાક સુકાઇ જવાની ચિંતા સતાવી રહી છે. ત્યારે પાણીના મુદ્દાને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરી રજૂઆત કરવા બનાસકાંઠાના ખેડૂતો ગાંધીનગર આવી પહોંચ્યા હતા. ત્યારે આ મામલે ખેડૂતોએ જણાવ્યું હતું કે, બનાસકાંઠામાં પાણી અંગેની કોઇ વ્યવસ્થા કરવામાં આવી નથી. તેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. પીવાના પાણીની પણ સમસ્યા ઊભી થઈ છે.

સંવેદનશીલ ખેડૂતોની સરકારની વાત કરવામાં આવે છે પણ માત્ર વાતો છે. બનાસકાંઠામાં પરિસ્થિતિ અલગ છે. મુખ્યમંત્રી, કૃષિ મંત્રી અને પાણી પુરવઠા મંત્રીથી સાથે મુલાકાત કરીને રજૂઆત કરાશે. આવનારા દિવસમાં ખેડૂતોની વધુ કફોડી સ્થિતી બનશે. ખેડૂતોએ વધુમાં જણાવ્યું કે, વરસાદ ખેંચાઇ ગયો છે. પાકનું વાવેતર કરનાર ખેડૂતોને નુકસાન થયું છે. પાક નિષ્ફળ ગયો છે. પાકને બચાવવા માટે સરકારે પાણી આપવું જોઈએ. બનાસકાંઠામાં ૫૦ ટકાથી વધુ વાવણી થઈ ચૂકી છે પણ વરસાદ ન હોવાને કારણે પાક નિષ્ફળ ગયો છે.

સુજલામ સુફલામ નહેર પણ હાલના સંજોગોમાં બંધ કરવામાં આવી છે તેના કારણે ખેડૂતોની મુશ્કેલી ગંભીર બની છે. બનાસકાંઠાના ખેડૂતો પાણી માટે આજે રાજ્ય સરકારમાં રજૂઆત કરશે. રજૂઆત પછી રાહ જોશે. જો કોઈ ઉકેલ નહીં આવે તો આંદોલનનો માર્ગ અપનાવશે. સુજલામ સુફલામ નહેરમાં પાણી છોડવાની રજૂઆત કરવામાં આવી છે. જો સરકાર પાણી વહેલી તકે નહીં છોડે તો આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે. ૩૦ જૂન પછી પાણી છોડવાનું બંધ કર્યું છે. ત્યારે બનાસકાંઠાથી પાણીના મુદ્દે મુખ્યમંત્રીને રજૂઆત કરવા આવેલા ખેડૂતોની ગાંધીનગર પોલીસે અટકાયત કરી છે.

(9:28 pm IST)