Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

બિહારમાં ઘાસચારા કૌભાંડ ખુલ્લુ પાડનાર રવીન્દ્રકુમારે ગુજરાતના પ્રિન્સિપાલ ચીફ કમિશનર તરીકે કાર્યભાર સંભાળ્યો

ગાંધીનગર, તા. ૬ :  ગુજરાત ઇન્કમટેકસના નવા પ્રિન્સિપલ ચીફ કમિશનર તરીકે રવીન્દ્ર કુમારની નિમણૂંક કરવામાં આવી છે. ૧૯૮૬ બેચના IRS અધિકારી રવીન્દ્ર કુમારે મંગળવારે વિધિવત રીતે ગુજરાતના પ્રિન્સિપાલ ચીફ કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યો હતો. ગુજરાતમાં નિમણૂંક પહેલા રવીન્દ્ર કુમાર કેરળ ઇન્કમટેકસના ચીફ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા.

રવીન્દ્ર કુમાર ઝારખંડના વતની છે, તેમણે IIT દિલ્હીમાંથી સિવિલ એન્જીનિયરિંગમાં B.Tech કર્યું છે. ઇન્ડિયન રેવન્યુ સર્વિસમાં ૩૪ વર્ષનો બહોળો અનુભવ ધરાવતા રવીન્દ્ર કુમાર અગાઉ પંજાબ, બિહાર, ઓરિસ્સા, મુંબઇ અને ગુજરાતમાં ફરજ બજાવી ચુક્યા છે. રવીન્દ્ર કુમારની ગુજરાતમાં નિમણૂંક દરમિયાન કોર્પોરેટ ટેકસ તેમજ વિવિધ કેસમાં ઇન્વેસ્ટિગેટિવ કામગીરી કરી ચુક્યા છે.

IRS રવીન્દ્ર કુમારની બિહારમાં નિમણૂંક દરમિયાન ઘાસચારા કૌભાંડ મામલે મહત્વની કામગીરી કરી ચુક્યા છે. બિહારના ઘાસચારા કૌભાંડમાં ઇન્કમટેકસ વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીને લઇને બિહારના તત્કાલીન મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવે રાજીનામું આપવુ પડ્યુ હતું.

રવીન્દ્ર કુમાર સ્પોર્ટ્સમાં રસ ધરાવે છે. રવીન્દ્ર કુમારને ગોલ્ફ રમવાનો પણ શોખ છે તેમજ સાયકલિંગ કરવાનો શોખ ધરાવે છે. આ ઉપરાંત રવીન્દ્ર કુમાર જ્યારે મુંબઇમાં ફરજ બજાવતા હતા ત્યારે તે મુંબઇ મેરીટોરિઅસ સ્પોર્ટ્સ કમિટીના ચેરમેન રહી ચુક્યા છે.

(3:56 pm IST)