Gujarati News

Gujarati News

News of Saturday, 7th January 2023

ચાઈનીઝ વસ્તુઓના વેચાણ મામલે રાજ્ય  સરકારના સોગંદનામાથી હાઈકોર્ટ અસંતુષ્ટ

ગૃહ વિભાગના સચિવને નવેસરથી સોગંદનામુ રજૂ કરવા આદેશ :હાઈકોર્ટે ટકોર કરી કે રાજ્ય સરકારે દાખલ કરેલુ સોગંધનામુ અસંતોષકારક અને કોર્ટને વિશ્વાસ અપાવે તેવુ નથી.

અમદાવાદ : ઉત્તરાયણ પર્વ પર પતંગ રસિકો પોતાનો પતંગ કપાઈ ન જાય તે માટે કાચથી પાયેલી ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરતા હોય છે. જેમા ફસાવાથી અનેક પંખીઓ મોતને ભેટે છે તો બીજી તરફ કેટલાક કિસ્સામાં નાગરિકોના પણ મોતના બનાવો સામે આવ્યા છે.

  આ ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ મુકવા માટે હાઈકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજી પર સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા સોગંધનામા પર હાઈકોર્ટે અસંતોષ વ્યક્ત કર્યો છે. હાઈકોર્ટે ટકોર કરી છે કે રાજ્ય સરકારે દાખલ કરેલુ સોગંધનામુ અસંતોષકારક અને કોર્ટને વિશ્વાસ અપાવે તેવુ નથી.

 આ સાથે જ કોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢતા કહ્યુ કે ગુજરાત હાઈકોર્ટે આપેલા હુકમનુ પણ ક્યાંય પાલન થયુ નથી. જેમા હુકમ મુજબનું સોગંધનામુ પણ દાખલ કરવામાં આવ્યુ નથી. કોર્ટે જણાવ્યુ કે રાજ્ય સરકાર જેટલી સામાન્ય રીતે આ મામલાને લઈ રહી છે તેટલો સામાન્ય નથી. આ સમગ્ર મામલે રાજ્ય સરકાર ગંભીરતા દાખવે અને કડકમાં કડક કાર્યવાહી કરે તેવું પણ હાઇકોર્ટે નોંધ્યું.

 મહત્વનું છે કે બે દિવસ અગાઉ કરાયેલી જાહેર હિતની અરજી પર હાથ ધરેલી સુનામી દરમિયાન ચીફ જસ્ટીસ અરવિંદ કુમાર અને આશુતોષ શાસ્ત્રીની ખંડપીઠે રાજ્ય સરકાર સહિત અન્ય પક્ષકારોને એક ચોક્કસ સોગંદનામુ કરવા માટે આદેશ કર્યો હતો. જે બાદ ગુરુવારે રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટમાં સોગંદનામુ દાખલ કર્યું હતું. પ્રતિબંધિત વસ્તુઓના વેચાણ મામલે અને ઉપયોગ બાદ માનવીય જીવ ઘાયલ થવા અથવા જીવ ગુમાવવામાં તથા પશુ પક્ષીઓના પણ જીવ ઘાયલ થતાં તથા ગુમાવતા અટકાવવા માટે અરજદાર તરફથી રાજ્ય સરકારને હાઇકોર્ટમાં કેટલાક સૂચનો પણ કરવામાં આવ્યા છે.

(9:55 pm IST)