Gujarati News

Gujarati News

News of Saturday, 7th January 2023

ચાઇનીઝ દોરાના વેચાણ પર વડોદરા પોલીસની ઝુંબેશ : ગઈકાલે 12 લોકોને ઝડપ્યા બાદ માકરપુરામાંથી વધુ એક આરોપી ઝડપાયો

શહેરમાં એવી 60થી વધુ સંભવિત જગ્યા હતા ત્યાં પોલીસે ચેક કરી જેમાંથી 9 જગ્યાએથી ચાઇનીઝ દોરી મળી આવી

વડોદરા : મકરસંક્રાતિને 9 દિવસની વાર છે ત્યાં ચાઇનીઝ દોરાથી વડોદરા શહેર અને જિલ્લામાં બે લોકોના મોત થઇ ચૂક્યા છે. જેને લઇને વડોદરા પોલીસ તંત્ર એક્શનમાં આવ્યુ છે. આ મામલે મિટીંગ બોલાવી તપાસ આદરી હતી. જેમાં પોલીસે ગઇ કાલે 12 આરોપીને પકડી પાડ્યા હતા જ્યારે આજે પણ પોલીસને વધુ એક સફળતા મળી છે.

શહેરમાં મકરપુરા પોલીસે મકરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી મકરપુરા ગામ પટેલ ફળિયાની બાજુમાં રાજનાથ મહાદેવના મંદિર પાસેથી ચાઇનીઝ દોરીના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપી અશોકભાઇ જેઠાભાઇ રાય (ઉ.વ.60) પાસેથી MONO SKY કંપનીના માર્કાવાળી ચાઇનીઝ દોરીના કુલ રીલ નંગ 07 જેની કિંમત રૂ.700નો મુદ્દામાલ ઝડપ્યો હતો.

 

ગઇ કાલે કન્ટ્રોલ એસીપી એ.એમ.સૈયદે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે જણાવ્યું હતુ કે વડોદરા શહેર તથા જિલ્લાની અંદર છેલ્લા બે દિવસમાં ચાઇનીઝ દોરીથી શહેરમાં બે નાગરિકના મોત થયા છે.આ મામલાને ગંભીરતા જોઇને પોલીસ કમિશનરે તમામ એસ.સી.પી અને તમામ ડી.સી.પીઓની મિટીંગ બોલાવી હતી. તે અંતર્ગત ચાઇનીઝ દોરી જ્યાં વેંચાતી હોય અને સંભવિત જગ્યા લાગતી હોય તેવી જગ્યાએ તપાસ કરી કંઇ પણ ગેરકાયદેસર વસ્તુ મળી આવે તો તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સતત સૂચના આપવામાં આવેલી હતી.

 અનુસંધાન વડોદરા શહેર દરેક પોલીસ સ્ટેશનમાંથી એક ઝુંબેશ હાથ ધરવામાં આવી.ત્યાં શહેરમાં એવી 60થી વધુ સંભવિત જગ્યા હતા ત્યાં પોલીસે ચેક કરી હતી. જેમાંથી 9 જગ્યાએથી ચાઇનીઝ દોરી મળી આવી હતી. ત્યારે અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં નવ ગુના દાખલ કરવામાં આવ્યા છે. જેમાં 1 લાખ જેટલો મુદ્દામાલ અને 12 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આજે પણ વધુને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે.

(8:37 pm IST)