Gujarati News

Gujarati News

News of Saturday, 7th January 2023

ટાયરમાં આગ લાગતા આઇસર ટેમ્પો સાઇડમાં લીધો : વીજ વાયર અડી જતા ડ્રાઇવરનુ મોત

વડોદરા નજીક આવેલા સાવલી તાલુકાના મોક્સી-સાંકરદા રોડ પર દુર્ઘટના

વડોદરા નજીક આવેલા સાવલી તાલુકાના મોક્સી-સાંકરદા રોડ પર જ્યાં વીજ કરંટનો તાર એટલો નિચે હતો કે, રસ્તા પરથી જતી આઇસરને અડી જતા ડ્રાઇવરે જીવ ગુમાવવો પડ્યો છે.

 બનાવ અંગેની સ્થાનિક સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, વડોદરા નજીક આવેલા સાવલી તાલુકાના મોક્સી-સાંકરદા રોડ પરથી આજે બપોરના સમયે એક આઇસર ટેમ્પો પસાર થઇ રહ્યો હતો. આ દરમિયાન રોડ પરના વીજ થાંભલાનો તાર એટલો નિચે હતો કે, રસ્તા પરથી પસાર થતા આઇસર ટેમ્પોની લોખંડની એન્ગલને તે અડી ગયો હતો.

ચાલુ વીજ તાર આઇસર ટેમ્પોની લોખંડની એન્ગલને અડી જતાં તણખા થયા અને ટેમ્પો આગની ઝપેટમાં આવી ગયો હતો. રસ્તા પરથી પસાર થતાં રાહદરીઓ અને સ્થાનિકોએ આ દ્રશ્યો જોતા તાત્કાલીક સ્થાનિક ફાયર બ્રીગેડને જાણ કરી હતી. જેના પરિણામે ફાયર બ્રીગેડના લાશ્કરોએ સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આઇસર ટેમ્પોમાં લાગેલી આગ પર કાબુ મેળવી લીધો હતો. જોકે આ દુર્ઘટનામાં આઇસર ચાલક મહેન્દ્ર ગુપ્તાનુ સ્થળ પરજ મોત નિપજ્યું હતુ.

સ્થાનિકોના જણાવ્યાં અનુસાર, વીજ તાર આઇસર ટેમ્પોની લોખંડની એન્ગલને અડી જતા આ દુર્ઘટના સર્જાય હતી. જેના કારણે ટેમ્પો આગની ઝપેટમાં પણ આવી ગયો અને ડ્રાઇવરને આ વીજ કરંટ લાગતા તેનુ મોત નિપજ્યું છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો પણ ખોરવાયો છે.

આ મામલે વડોદરા ટી.પી-13ના સબ ફાયર ઓફીસર અનિરૂધ્ધસિંહ ઝાલાએ  જણાવ્યું કે, મોક્સી-સાકંરદા રોડ પર બનેલા બનાવની વિગત એવી છે કે, આઇસર ટેમ્પોના પાછળના ટાયરમાં આગ લાગતા ડ્રાઇવરે આઇસર ટેમ્પો સાઇડમાં લીધો હતો. આ દરમિયાન રોડની સાઇડમાંથી પસાર થતી હાઇટેન્શન લાઇનો વાયર નિચે હોવાના કારણે આઇસરને અડી જતા કરંટ પસાર થયો અને ડ્રાઇવરનુ મોત નિપજ્યું હોવાનુ પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળી રહ્યું છે.

(8:21 pm IST)