Gujarati News

Gujarati News

News of Saturday, 7th January 2023

૨૦૦ વિન્‍ટેજ અને કલાસિક ભારતીય કાર : ૧૨૦ વેટરન બાઇક, વિન્‍ટેજ લશ્‍કરી વાહનો પ્રદર્શનાર્થે

લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે આયોજિત કોન્‍કોર્સના દેશ-વિદેશની અનેક કંપનીઓની વિન્‍ટેજ ગાડીઓએ આકર્ષણનું કેન્‍દ્ર જમાવ્‍યું છેઃ ત્રણ દિવસ સુધી નાગરિકો આ કોન્‍કોર્સ નિહાળી શકશે : ૨૧ ગન સેલ્‍યુટ કોન્‍કોર્સ ડી'એલિગન્‍સન ૨૦૨૩માં હેરિટેજ મોટરિંગની ભાવનાની ઉજવણી કરાશે : વડોદરાના લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે ત્રિ-દિવસીય વિન્‍ટેજ શોનો પ્રારંભ

એશિયાની સૌથી પ્રતિષ્‍ઠિત મોટરિંગ ઇવેન્‍ટની દસમી આવૃતિ ૨૧ ગન સેલ્‍યુટ કોન્‍કોર્સ ડી'એલિગન્‍સનો વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે ૬ જાન્‍યુઆરીના રોજ પ્રારંભ થયો હતો. ત્રિ-દિવસીય વિન્‍ટેજ શોમાં ૨૦૦થી વધુ વિન્‍ટેજ અને કલાસિક ભારતીય કાર ૧૨૦ વેટરન  બાઇક અને વિન્‍ટેજ લશ્‍કરી વાહનો સાથે પ્રદર્શનમાં મુકાયા છે. કોન્‍કોર્સનું ઉદઘાટન રાજમાતા શુભાંગીનીદેવી ગાયકવાડ દ્વારા કરાયું હતું. આ પ્રસંગે બરોડાના મહારાજા સમરજિતસિંહ ગાયકવાડ અને મહારાણી રાધિકારાજે ગાયકવાડ સહિત યોહાન પુનાવાલા, હર્ષ પતિ સિંઘાનિયા, ગૌતમ સિંઘાનિયા, નીરજા બિરલા, એમજી મોટર ઇન્‍ડિયાના ચીફ કોમર્શિયલ ઓફિસર ગૌરવ ગુપ્‍તા અને ભારતના રોયલ ફેમિલીઝના અન્‍ય પ્રતિષ્‍ઠિત સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા. ૨૧ ગન સેલ્‍યુટ કોન્‍કોર્સ ડીક્રએલિગન્‍સ ૨૦૨૩માં હેરિટેજ મોટરિંગની ભાવનાની ઉજવણી કરવામાં આવશે.

આ પ્રસંગે રાજમાતા શુભાંગિનીદેવી ગાયકવાડે જણાવ્‍યું હતું કે, ત્રણ દિવસીય કોન્‍કોર્સમાં ભારતના ઓટોમોબાઇલ અને વિન્‍ટેજ કારના શોખીનોના કલેક્‍શનને લોકો નિહાળી શકશે. કોન્‍કોર્સના કો-હોસ્‍ટ મહારાજા સમરજિતસિંહ ગાયકવાડે જણાવ્‍યું હતું કે, ૨૧ ગન સેલ્‍યુટ કોન્‍કોર્સ ડી'એલિગન્‍સે ભારતના સમૃધ્‍ધ વારસાને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. ૨૧ ટન સેલ્‍યુટ હેરિટેજ એન્‍ડ કલ્‍ચરલ ટ્રસ્‍ટના ચેરમેન અને મેનેજિંગ ટ્રસ્‍ટી મદન મોહને જણાવ્‍યું હતું કે, કોન્‍કોર્સની દસમી આવૃતિમાં અતુલ્‍ય ભારતમાં વૈવિધ્‍યસભર અને સમૃધ્‍ધ ઇતિહાસ એક સાથે જોવા મળશે. એમજી મોટર ઇન્‍ડિયાના ચીફ કોમર્શિયલ ઓફિસર ગૌરવ ગુપ્‍તાએ જણાવ્‍યું હતું કે, એમજીને નેતા ૧૦૦ વર્ષના સમૃદ્ધ વારસા પર ગર્વ છે અને એમજી કાર કલબ (એમજીસીસી) પાસે ભારતમાં ૪૦૦થી વધુ વિન્‍ટેજ એમજી કાર છે. ઇન્‍ડિયન હેરિટેજ કાર ટુરિઝમને પ્રોત્‍સાહન આપવા અમે કોન્‍કોર્સ ડીક્ર એલિગન્‍સ ૨૦૨૩ની પ્રશંસા કરીએ છીએ. ૨૧ ગન સેલ્‍યુટ કોન્‍કોર્સ શો ડી'એલિગન્‍સમાં આસામ, કન્‍યાકુમારી, કોઇમ્‍બતુર, મુંબઇ, પુણે, બેંગ્‍લોર, ચંદીગઢ, ઉત્તરપ્રદેશ, દિલ્‍હી, ગુડગાંવ, નોઇડા, અમદાવાદ, બરોડા, માણસા,હિંમતનગર, સુરત, આણંદ અને દેશના અન્‍ય ભાગોમાંથી વિન્‍ટેજ અને કલાસિક કાર આવી છે.

બેન્‍ટલી વિન્‍ટેજ સાથે પ્‍લેબોય કાર આકર્ષણનું કેન્‍દ્ર

૨૧ ગન સેલ્‍યુટ કોન્‍કોર્સ ડી-એલિગન્‍સ શોમાં ૧૯૪૬ MG TCસ્‍પોર્ટ્‍સ ટૂરર, ૧૯૫૮ MG A કન્‍વર્ટિબલ, ૧૯૭૯ MG મિજેટ, ૧૯૪૭ MG TC, ૧૯૪૮ MG TC, ૧૯૬૫MGB ૧૯૬૪  MG B, ૧૯૫૧ MG TD, ૧૯૫૮ MG TD રોડ, ૧૯૫૮M5MG રોડ MG, ૧૯૫૦ MG YT અને ૧૯૬૩ MG મિજેટ કન્‍વર્ટિબલ સાથે યુધ્‍ધ પહેલાની અમેરિકન યુધ્‍ધ્‍ પહેલાની યુરોપિયન યુધ્‍ધ પછીની અમેરિકન યુધ્‍ધ પછીની યુરોપિયન, ઘણી દુર્લભ રોલ્‍સ રોયલ અને બેન્‍ટલી વિન્‍ટેજ, પ્‍લેબોય કાર આકર્ષણનું કેન્‍દ્ર બની રહી છે.

કાર શો જોવાની કિંમત રૂા. ૫૦૦ નાગરિકો વિલા મોઢે પર ફર્યા

વિન્‍ટેજ કાર જોવા માટે રૂા. ૫૦૦ ઓનલાઇન ચૂકવવા પડે છે. વિદ્યાર્થીઓ પાસે રૂા. ૩૦૦ વસૂલ કરાય છે. જેને પગલે હજારો ઉત્‍સુક નગરજનોને પેલેસની વિલા મોઢે પરત આવવાની નોબત સર્જાય છે. આમંત્રિતો માટે વિન્‍ટેજ કાર નિહાળવવાની વ્‍યવસ્‍થા વિનામૂલ્‍યે હોવા ઉપરાંત તેઓ માટે વિશેષ સુવિધા ઉભી કરાય છે.

ભારતમાં ફકત શાંલિન કોટિચા પાસે છે ફોર્ડ મસ્‍ટેન મોક-૧

મુંબઇના વતની અને વેલ્‍થ મેનેજમેન્‍ટ એક્‍સપર્ટ એવા શાલિન કોટિચા પાસે  ૫.૮ લિટર એન્‍જિન ધરાવતી ૧૯૬૯ની ફોર્ડ મસ્‍ટેન મોક ૧ છે. કોન્‍કર્સ માટે તેઓ ફોર્ડ મસ્‍ટેન મોક ૧ને મુંબઇથી ચલાવીને વડોદરા લાવ્‍યા છે. ભારતમાં ફકત શાલિન કોટિચા પાસે છે ફોર્ડ મસ્‍ટેન મોક ૧ છે, જે તેઓ માટે ગર્વની બાબત છે.

યશ પાઠક પાસે ૬૫ વિન્‍ટેજ ગાડીનું કલેક્‍શન

૨૦ વર્ષથી એમજી એ ૧૬૦૦ કાર સાયના ગ્રુપના વાઇસ ચેરમેન અને મધ્‍યપ્રદેશ રહેવાસી યશ પાઠક પાસે છે. તેઓ પાસે એમજી એ ૧૬૦૦ ઉપરાંત બીજી ૬૫ વિન્‍ટેજ ગાડીનું કલેક્‍શન પણ છે. 

(10:33 am IST)