Gujarati News

Gujarati News

News of Saturday, 7th January 2023

કાલે અમદાવાદમાં, ૯મીએ વડોદરામાં ૧૨મીએ રાજકોટ - ધોલેરામાં પતંગોત્‍સવ

ગાંધીનગર તા. ૭ :આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્‍સવ-૨૦૨૩નું ઉદ્દઘાટન રાજયના રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્‍તે ૮ જાન્‍યુઆરીના રોજ સવારે ૮ કલાકે કરવામાં આવશે. આ પ્રસંગે અતિથિ તરીકે રાજયના મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ ઉપસ્‍થિત રહેશે. રાજયના પ્રવાસન મંત્રીશ્રી મુળુભાઈ બેરા પણ હાજર રહેશે.

G-20ની થીમ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્‍સવ-૨૦૨૩નું આયોજન કરવામાં આવ્‍યું છે. આ વખતે G-20 દેશોના પતંગબાજો પણ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેવાના છે. આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજો દ્વારા પરેડનું પણ આયોજન હાથ ધરવામાં આવ્‍યું છે.

ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આ વર્ષે એક નવો રેકોર્ડ સર્જવામાં આવશે. વિવિધ દેશોના મહત્તમ પતંગબાજો દ્વારા એક સાથે પતંગ ઉડાડવાના ગિનીઝ વર્લ્‍ડ રેકોર્ડનો પ્રયાસ કરવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્‍સવ-૨૦૨૩ આગામી ૮ થી ૧૪ જાન્‍યુઆરી દરમિયાન અમદાવાદમાં સાબરમતી રિવરફન્‍ટ, વલ્લભસદન ખાતે યોજાશે. રાજય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા દર વર્ષે પતંગ મહોત્‍સવનું આયોજન કરવામાં આવે છે. પતંગ મહોત્‍સવમાં ૫૩ દેશોના ૧૨૬, ૧૪ રાજયોના ૬૫ તેમજ રાજયના ૨૨ શહેરોના ૬૬૦ પતંગબાજો પતંગ સ્‍પર્ધામાં ભાગ લેશે.

રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પતંગબાજો વિવિધ આકારના પતંગો આકાશમાં ઉડાવશે. તારીખ ૮ થી ૧૪ જાન્‍યુઆરી દરમિયાન દરરોજ સવારે ૧૦ થી સાંજે ૫ કલાક સુધી રિવરફન્‍ટ, વલ્લભસદન ખાતે પતંગબાજો દ્વારા પતંગ ઉડાવવામાં આવશે.

મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ પતંગબાજોનો ઉત્‍સાહ વધારવા માટે પતંગ ઉડ્ડયનમાં ભાગ લેશે, ત્‍યારબાદ વિવિધ થીમ આધારિત સ્‍ટોલ, ક્રાફટ સ્‍ટોલ અને ફૂડ કોર્ટનું પણ નિદર્શન કરશે.

પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ પ્રવાસન અને યાત્રાધામનાં સ્‍થળોએ પતંગ મહોત્‍સવનું આયોજન કરાયું છે. ૯ જાન્‍યુઆરીએ વડોદરા અને વડનગર, ૧૦ જાન્‍યુઆરીએ કેવડિયા કોલોની-નર્મદા અને દ્વારકા, ૧૧ જાન્‍યુઆરીએ સુરત અને સોમનાથ, ૧૨ જાન્‍યુઆરીએ રાજકોટ અને ધોલેરા તેમજ ૧૩ જાન્‍યુઆરીએ સફેદ રણ-ધોરડો-કચ્‍છ ખાતે આયોજન હાથ ધરવામાં આવ્‍યું છે.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્‍સવ-૨૦૨૩ માં વિશેષ રીતે થીમ આધારિત વિવિધ સ્‍ટોલ્‍સ પણ બનાવવામાં આવ્‍યા છે. પતંગનો ભાતીગળ ઈતિહાસ દર્શાવતું થીમ પેવેલિયન અને પતંગ માટેનો વર્કશોપ પણ બનાવવામાં આવ્‍યો છે. રાજયના હસ્‍તકલાનાં કારીગરોને ઘર આંગણેજ પોતાના હાથે બનાવેલી ચીજ વસ્‍તુઓનું વેચાણ કરી શકે તે હેતુથી હસ્‍તકલા બજારમાં ૫૦ સ્‍ટોલ અને ખાણીપીણાંનાં ૨૫ સ્‍ટોલ્‍સ પણ રાખવામાં આવ્‍યા છે.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્‍સવમાં તારીખ ૮ થી ૧૩ જાન્‍યુઆરી દરમિયાન દરરોજ સાંજે ૭ થી ૯ કલાક સુધી સાંસ્‍કૃત્તિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્‍સવના આયોજન થકી રાજયમાં દેશ-વિદેશના પ્રવાસીઓની સંખ્‍યામાં વધારો થયો છે. પ્રવાસન વિભાગના આ પ્રકારના આયોજનથી સ્‍થાનિક સ્‍તરે રોજગારીની તકોનું સર્જન થયું છે પરિણામે અર્થતંત્ર પણ મજબૂત બન્‍યું છે. પ્રવાસન સાથે જોડાયેલાં લોકોને પ્રત્‍યક્ષ અને પરોક્ષ રીતે રોજગારી પ્રાપ્ત થઈ રહી છે જેના લીધે લોકોના જીવનધોરણના સ્‍તરમાં પણ વધારો થયો છે.

 

(1:19 pm IST)