Gujarati News

Gujarati News

News of Saturday, 7th January 2023

સાંસદોની જેમ ગુજરાતનાં ધારાસભ્‍યો પણ ગામ દત્તક લેશે

રાજય સરકાર કરી રહી છે તૈયારી : દર વર્ષે ૨ ગામ વિકસિત કરવાની જવાબદારીઃ બજેટ સત્રમાં થઇ શકે છે એલાન

નવી દિલ્‍હી, તા.૭: ગુજરાતને રાજકારણમાં પરિવર્તનની પ્રયોગશાળા કહેવામાં આવે છે. આવા જ એક કિસ્‍સામાં આદર્શ સંસદ ગ્રામ યોજનાની જેમ હવે ગુજરાતના ધારાસભ્‍યો પણ ગામો દત્તક લેશે. રાજ્‍યમાં પણ ગ્રામ્‍ય વિસ્‍તારના ધારાસભ્‍યોને ગામ દત્તક લેવાની જવાબદારી સોંપવાની કવાયત હાથ ધરાઈ છે.

રાજ્‍ય સરકારના સૂત્રોના જણાવ્‍યા અનુસાર બજેટમાં તેની જાહેરાત કરવામાં આવી શકે છે. માર્ચ પછી ધારાસભ્‍યોને દર વર્ષે બે ગામ દત્તક લઈને વિકાસના કામોની જવાબદારી સોંપવામાં આવી શકે છે. સંસદ આદર્શ ગ્રામ યોજનાની તર્જ પર ગુજરાતના ધારાસભ્‍યોને ગામડાઓ દત્તક લેવાની જવાબદારી સોંપવાની કવાયત હાથ ધરવામાં આવી શકે છે. દર વર્ષે દરેક ધારાસભ્‍ય બે ગામ દત્તક લઈ શકે છે અને તેના વિકાસની જવાબદારી તેમને સોંપવામાં આવે છે. આ માટે રાજ્‍ય સરકાર બ્‍લૂપ્રિન્‍ટ તૈયાર કરી રહી છે, જેમાં યોજનાનો અમલ, ભંડોળની ફાળવણી અને ધારાસભ્‍યોને ગામડાઓ સોંપવા સહિતના મુદ્દાઓ સામેલ હશે. સાથે જ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા શહેરી વિસ્‍તારોના ધારાસભ્‍યોને પણ આવી જવાબદારી સોંપવાની ચર્ચા ચાલી રહી છે.

ગુજરાતમાં વિકાસને વેગ આપવા માટે આવી યોજના લાગુ કરી શકાય. આ આયોજનમાં ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વીજળી, પાણી, ગટર, રસ્‍તા સહિતની પ્રાથમિક સુવિધાઓ વિકસાવવા અને ગ્રામજનોને સરકારી યોજનાઓનો લાભ આપવા સહિતના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવશે. આ માટે દર વર્ષે ધારાસભ્‍યોને ગ્રાન્‍ટ પણ આપવામાં આવશે.

(11:34 am IST)