Gujarati News

Gujarati News

News of Saturday, 7th January 2023

અમદાવાદમાં ઓર્ચિડ ગ્રીન બિલ્ડિંગમાં લાગેલી આગમાં યુવતીનું મોત

અમદાવાદ, તા.૭: અમદાવાદમાં શાહીબાગ ખાતે ઓર્ચિડ ગ્રીન બિલ્ડિંગમાં સાતમા માળે આગ લાગી હતી. આ આગ પર કાબૂ મેળવી લેવાયો છે. ફાયર બ્રિગેડની ૧૧થી વધુ ટુકડીઓ આ સ્થળે પહોંચી ગઈ હતી. આ આગમાં જીરાવાલા કુટુંબના ચાર જણા ફસાઈ ગયા હતા. તેમા તેમની ૨૦ વર્ષીય પુત્રી પ્રાંજલ જરીવાલા ગંભીર રીતે દાઝી ગઈ હતી. તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાઈ હતી.

આ આગ શાહીબાગ ગિરધરનગર ચાર રસ્તા પાસે લાગી હતી. ઓર્ચિડ ગ્રીન ફ્લેટમાં લાગેલી આગને લીધે બિલ્ડિંગમાં રહેતા લોકોના જીવ પડીકે બંધાયા હતા. આ આગમાં જરીવાલા કુટુંબની ૨૦ વર્ષીય યુવતી પ્રાંજલ જરીવાલા ગંભીર રીતે દાઝી જતા હોસ્પિટલ ખસેડાઈ હતી. તેનું ત્યાં ઇજાઓના લીધે મૃત્યુ થતા જરીવાલા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

ફાયરબ્રિગેડે ખાસ્સી જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગના પ્રાથમિક કારણોમાં જોઈએ તો ગેસ ગીઝરના લીધે શોર્ટસર્કિટ થયું હોવાનું મનાય છે. તેના લીધે આગની ઘટના બની હોવાનું કહેવાય છે. પોલીસે આ કેસમાં તપાસ હાથ ધરી છે. આશ્ચર્યની વાત એ છે કે અગ્નિશામનના સાધનો હોવા છતાં પણ લોકો તેનો તાત્કાલિક ઉપયોગ કરી શક્યા ન હતા. હવે અગ્નિશામનના સાધનો ચાલુ કંડિશનમાં હતા કે નહી તેની પણ પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપાલિટીવાળા ચકાસણી કરી રહ્યા છે.

આ દરમિયાન અમદાવાદમાં સીટી સ્કવેર મોલ પાસે આગની બીજી ઘટના બની છે. સીટી સ્કવેર મૌલ પાસેના મોબાઇલ ટાવરમાં અચાનક આગ લાગી છે. આ ઘટના ગોદરેજ ગાર્ડન સિટી પાસે બની છે. અગ્નિશામનની ગાડીઓ તાત્કાલિક દોડી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવા પ્રયત્નશીલ છે. અમદાવાદ શહેરના રહેણાક બિલ્ડિંગોમાં આગના વધતા જતા બનાવ ચિંતાનો વિષય બની રહ્યા છે

(3:57 pm IST)