Gujarati News

Gujarati News

News of Saturday, 7th January 2023

અમદાવાદની શાળાઓમાં શિક્ષણ સમિતિ દ્વારા રોબોટિકસ અને સ્ટેમ લેબ શરૂ કરાશે

ધો.૬ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે પ્રિ.વોકેશનલ કોર્ષ શરૂ કરાશેઃ સરકારના મિશન સ્કુલ ઓફ ઍકસલન્સમાં ર૧૭ શાળાઓનો સમાવેશ

અમદાવાદ તા. ૭ : સરકારી શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયા ઘટતા અમદાવાદનગર પ્રાથમીક શિક્ષણની શાળાઓમાં રોબોટિકસ અને સ્ટેમ લેબ શરૂ કરાશે ગુજરાતમાં સ્કુલ બોર્ડ દ્વારા શિક્ષણ સુધારણા ઉપર ધ્યાન આપવામાં આવશે.

ગુજરાતમાં ગરીબ બાળકો ભણી ગણીને આગળ આવે માટે સરકાર ભરપૂર પ્રયાસો કરે છે. મ્યુનિ. શાળાઓમાં ભણત ગરીબ અને સામાન્ય વર્ગના બાળકોને ભવિષ્યમાં ઉજ્જ્વળ તકો પ્રાપ્ત થાય તે હેતુથી એકેડેમિક સ્ટ્રેન્થ વધારવા અને સ્કીલ ડેવલપમેન્ટ ઉપર ખાસ ભાર સાથે સ્કૂલબોર્ડના શાસનાધિકારીઓએ સને ૨૦૨૩-૨૪નાં વર્ષ માટે ૧૦૯૭ કરોડનું ડ્રાફ્ટ બજેટ શિક્ષણ સમિતિ સમક્ષ રજૂ કર્યું હતું.

અમદાવાદ મ્યુનિ. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ખાસ બોલાવાયેલી બેઠકમાં ઘમી બાબતોના ખુલાસા થયા હતા. રૂપિયા ૧૦૯૭ કરોડના બજેટમાં ૭૩૬,૨૭ લાખ રાજ્ય સરકાર ગ્રાન્ટ આપશે અને ૩૩૦.૭૨ કરોડ મ્યુનિ. દ્વારા ગ્રાન્ટ સ્વરૂપે અપાશે, જેમાંથી ૮૮.૭૪ ટકા એટલે કે ૯૪૬.૮૩ કરોડ પગાર અને પેન્શન વગેરે પાછળ ખર્ચ થશે અને બાકીનાં બજેટની રકમ વિદ્યાર્થી વિકાસ અને શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ખર્ચાશે.

ગુજરાતમાં સ્કૂલબોર્ડ દ્વારા શિક્ષણ સુધારવા ઉપર આપવામાં આવેલાં ધ્યાન તેમજ અનુપમ સ્કૂલ, અંગ્રેજી માધ્યમની સ્કૂલ, સ્માર્ટ સ્કૂલ વગેરેનાં કારણે ડ્રોપ આઉટ રેશિયો સાવ શૂન્ય થઇ ગયો છે. આ સરકાર માટે મોટી સફળતા છે.

સ્કૂલ ઓફ એક્સલન્સમાં સમાવાયેલી શાળાઓ સિવાયની શાળાઓમાં રોબોટિક્સ અને સ્ટેમ લેબ શરૂ કરવામાં આવશે. તદઉપરાંત દેશભરમાં નામના પામેલી સિગ્નલ સ્કૂલના બાળકોને સ્કીલ ડેવલપમેન્ટ અંતર્ગત વ્યવસાયલક્ષી શિક્ષણ આપવામાં આવશે. જેના પગલે બાળકોના શિક્ષણમાં મોટો સુધારો આવશે.

અમદાવાદમાં ભાર વગરના ભણતરના નિયમનું અલગ રીતે જ પાલન કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા ગ્યાસપુર ભાઠા અને ચાંદલોડિયા શાળાનાં ધો.૬થી ૮નાં વિદ્યાર્થીઓ માટે પ્રિ-વોકેશનલ કોર્સ શરૂ કરાશે. સરકારના મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સમાં ૨૧૭ જેટલી શાળાનો સમાવેશ થયો છે અને આ શાળાઓ એક્સલન્સ સર્ટિફિકેટ મેળવે તે માટે આયોજનબદ્ધ મોનિટરિંગની વ્યવસ્થા સુદ્રઢ બનાવવામાં આવશે.

(5:26 pm IST)