Gujarati News

Gujarati News

News of Saturday, 7th January 2023

રાજયની સૌથી મોટી અમદાવાદ મહાનગર પાલિકા આર્થિક સંકટમાં : ઘણા પ્રોજેકટ નાણાના અભાવે અટવાયા

કોન્ટ્રાકરોનું અંદાજે ૩૦૦ કરોડનું ચુકવણી બાકી હોવાથી કામ અધુરા ચુકાયા

અમદાવાદ તા. ૭ : ૯ કરોડ રૂપિયાનું વાર્ષિક બજેટ ધરાવતી અમદાવાદ કોર્પોરેશન આર્થિક નાણાભીડમાં આવી ગઇ છે.ઘણા પ્રોજેકટ અધ્ધરતાલે છે. કામ કરેલા કોન્ટ્રાકટરોના ૩૦૦ કરોડ બાકી છે જેથી કોન્ટ્રાકટરોઍ કામ પડતા મુકયા છે.

ગુજરાતની સૌથી મોટી અમદાવાદ મહાનગરપાલિકા આર્થિક સંકટનો સામનો કરી રહી હોવાની વાત સામે આવી છે. નાણાંના અભાવે મનપાએ ઘણા પ્રોજેક્ટ માટે કોન્ટ્રાક્ટરોને પેમેન્ટ કરી શકતી ન હોવાની પણ ચર્ચા છે. અટકી પડેલા કેટલાક પ્રોજેક્ટ આ વાતને સમર્થન આપે છે. જો કે સત્તાધીશો આર્થિક ભીડને સ્વીકારવા તૈયાર નથી

9 હજાર કરોડ રૂપિયાનું વાર્ષિક બજેટ ધરાવતી અમદાવાદ મહાનગરપાલિકા આર્થિક ભીંસનો સામનો કરી રહી છે. નાણાકીય વર્ષ હજુ પૂર્ણ નથી થતું, તે પહેલા મનપા આર્થિક ખેંચમાં છે. 

સૂત્રોનું માનીએ તો ભાજપ શાસિત મહાનગરપાલિકા પાસે કોઈક કારણસર ફંડ ખૂટી પડ્યું છે...નાણાંના અભાવે AMCના કેટલાક પ્રોજેક્ટ પણ અટવાયા છે. કોન્ટ્રાક્ટરોને અંદાજે 300 કરોડથી વધુની ચૂકવણી બાકી છે. પેમેન્ટ ન થતા કોન્ટ્રાક્ટરોએ પણ કામ અધૂરા મૂકી દીધા છે. કોન્ટ્રાક્ટરોએ પેમેન્ટ મળ્યા બાદ જ કામ કરવાની સત્તાધીશો સમક્ષ રજૂઆત કરી છે...જેના પગલે નાના કોન્ટ્રાક્ટરોના અમુક પેમેન્ટ તો થઈ ગયા છે, પણ સૂત્રોનું માનીએ તો મોટા કોન્ટ્રાક્ટરોને હાલ કોઈ પેમેન્ટ નહીં મળે એવું કહી દેવાયું છે.

સૂત્રોનો તો ત્યાં સુધી દાવો છે કે તેમને મીડિયા સમક્ષ જવા બદલ તપાસ કરવાની પણ મનપા તરફથી ચીમકી અપાઈ છે...આ અંગે અમે જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાથે વાત કરી ત્યારે તેમણે નાણાકીય ખેંચ હોવાનો ઈન્કાર કર્યો હતો. 

મનપાના શાસકો ભલે દાવો કરતા હોય કે શહેરમાં એક પણ પ્રોજેક્ટ અટક્યો નથી. જો કે હકીકત એ છે કે ઘણા પ્રોજેક્ટ છેલ્લા કેટલાક સમયથી અધવચ્ચે જ અટકી પડ્યા છે કે પછી શરૂ જ નથી થયા. સત્તાધાર ચાર રસ્તા અને વાડજ સર્કલ પર બનનારા ફલાયઓવરના હજી સુધી કોઈ ઠેકાણાં નથી. ગુરુકુળ રોડ પર બનતા વ્હાઇટ ટેપિંગ રોડનું કામ પણ બંધ છે. 

ગત 13 ડિસેમ્બરે ઝી 24 કલાક સાથેની વાતચીતમાં અમદાવાદનાં મ્યુનિસિપલ કમિશનરે પણ મનપાની આર્થિક સ્થિતિ નબળી હોવાનો સ્વીકાર કર્યો હતો. મનપાને નડતી નાણાકીય ખેંચનું કારણ જે પણ હોય, શાસકો સ્થિતિને નકારી દે તેટલા માત્રથી સ્થિતિ બદલાઈ નથી જતી. વાસ્તવિકતા મનપાનાં બજેટ સત્રમાં સામે આવી જ જશે.

(5:33 pm IST)