Gujarati News

Gujarati News

News of Saturday, 7th January 2023

બીઆરટીઍસ રોડ પર વાહન ચલાવનારનુ વાહન ડિટેઇન કરી કાયદેસર પગલા લેવાશેઃ અમદાવાદ ટ્રાફીક પોલીસે કાર્યવાહી હાથ ધરી

ટ્રાફિકને લઇને ઘણા વાહન ચાલકો બી.આર.ટી.ઍસ. રોડ પર વાહન ચલાવતા હોવાથી કાર્યવાહી સઘન કરાઇ

અમદાવાદ તા. ૭ : અમદાવાદમાં બીઆરટીઍસ રોડ પર વાહન ચલાવનાર લોકોનુ વાહન ડિટેઇન કરી કાર્યવાહી કરાશે ટ્રાફિક પોલીસ અને બીઆરટીઍસની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અમદાવાદમાં ટ્રાફિક એ સૌથી મોટો દુખાવો છે. પીકઅવર્સમાં તો વાહનચાલકો હોર્ન મારી મારીને થાકી જાય એટલી ભીડ થાય છે. શહેરમાં ટ્રાફિક ઘટે એ માટે પોલીસ અને તંત્રના પૂરતા પ્રયાસો છતાં પણ અમદાવાદ શહેરમાં જો હવે તમે BRTS રોડ પર તમારુ વાહન ચલાવશો તો તમારા પર મોટી કાર્યવાહી થઈ શકે છે. શહેરમાં BRTS રોડ પર વાહન ચલાવશો તો તમારુ વાહન ડિટેઈન પણ થઈ શકે છે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને BRTSની સયુક્ત ટીમ દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.  હાલમાં આડેધડ પાર્ક થતા વાહનો પોલીસ ટોઈંગ કરી રહી છે.  

અમદાવાદમાં અવારનવાર વાહન ચાલકો પોતાના વાહનો BRTS રોડ પર ચલાવતા હોય છે અને નિયમના ધજાગરા ઉડાડતા હોય છે. આ પહેલાં પણ વખત BRTS રોડ પર વાહન ચાલકોને કારણે અકસ્માતના બનાવ બન્યા છે. અમદાવાદ પૂર્વમાં તો BRTS રોડ પરથી નીકળવાની કોઈ નવાઈ નથી. જેવો ટ્રાફિક થાય તુરંત જ વાહનચાલકો BRTS લાઈનમાં ઘૂસી જાય છે. અમદાવાદમા શહેરીજનોની સુવિધા માટે BRTS બસોની સરળતા માટે જ આ સ્પેશિયલ રસ્તાઓ બનાવવામાં આવ્યા છે તેમ છતાં પણ અમદાવાદના લોકો આ BRTS રોડને પોતાનો રોડ સમજીને વાહનો હંકારતા હોય છે. હવે ટ્રાફિક પોલીસ અને BRTSની ટીમ દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે. જેમાં વાહનચાલકોના વાહનો ડિટેઈન થાય તો પણ નવાઈ નહીં.... 

અમદાવાદ પોલીસ અને BRTSએ સાથે મળીને અભિયાન ચલાવ્યું છે. જેમાં અમદાવાદ શહેરના જુદા-જુદા BRTS રોડ પર વાહન ચલાવનારા પર ટ્રાફિક પોલીસ અને BRTS ટીમ દ્વારા મોટા કાર્યવાહી કરવામાં આવી હતી. શહેરમાં જુદા જુદા BRTSના રોડ પર વાહન ચલાવનારના 190 જેટલા વાહનો ડિટેઈન કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં વાહન ચાલકો પાસેથી કુલ રુપિયા 89 હજાર કરતા પણ વધારે દંડ વસુલ્યો હતો. આમ છતાં પણ વાહનચાલકો સુધરવાનું નામ લઈ રહ્યાં નથી. 

અમદાવાદ શહેરના પૂર્વમાં આવેલા વિસ્તારમાં મેમકો ચાર રસ્તાથી નરોડા રોડ વિસ્તાર સુધીમાં BRTS અને ટ્રાફિક પોલીસની સંયુક્ત ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત ઠક્કરબાપાનગર, CTM ચાર રસ્તા સહિતના BRTS રોડ પર વાહનો ચલાવતાં કુલ 190 વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન ટ્રાફિક પોલીસ અને BRTS દ્વારા કુલ રુપિયા 89 હજાર કરતા પણ વધારે દંડ વસુલ કરવામાં આવ્યો હતો. સૌથી મોટી સમસ્યા એ પૂર્વમાં છે. અમદાવાદમાં ખુલ્લેઆમ દાદાગીરી કરીને વાહનચાલકો BRTS રૂટમાં જાય છે અને બસોની સામે ઉભા રહી જાય છે અને આ રોડ પણ વ્યસ્ત કરે છે.

(5:32 pm IST)