Gujarati News

Gujarati News

News of Saturday, 7th January 2023

સુરતના વરાછા વિસ્તારમાં ત્રણ ઓફિસને નિશાન બનાવી 9 લાખના હીરાની ચોરી કરનાર આરોપી કેશોદથી ઝડપાયો

આરોપીએ વરાછા વિસ્તારમાં આવેલા 2 કારખાનામાંથી 3 હજાર 100 હીરાની ચોરી કરી હતી : પોલીસે આરોપી હિરેન શિરોયા પાસેથી પોલીસે 9 લાખના હીરાના 5 પેકેટ જપ્ત કર્યા

સુરતમાં વરાછામાંથી હીરાની ચોરી કરનાર શખ્સને પોલીસે કેશોદમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી હિરેન શિરોયા પાસેથી પોલીસે 9 લાખના હીરાના 5 પેકેટ જપ્ત કર્યા છે. આરોપીએ વરાછા વિસ્તારમાં આવેલા 2 કારખાનામાંથી 3 હજાર 100 હીરાની ચોકી હતી. આરોપી ચોરી કરતા દુકાનમાં લાગેલા CCTVમાં કેદ થયો હતો. પોલીસે CCTVના આધારે આરોપીની ધરપકડ કરી લીધી છે.

સુરતના વરાછા વિસ્તારમાં ત્રણ ઓફિસને નિશાન બનાવી હીરાની ચોરી કરનાર રીઢા આરોપીને કેશોદથી ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી ચોરીમાં ગયેલા હીરાનો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુરતના વરાછા મિનીબજાર સ્થિત ઠાકોર દ્વાર સોસાયટી નજીકથી આરોપી હિરલ ઉર્ફે હિરેન જયસુખભાઈ શિરોયાએ ત્રણ ઓફિસને નિશાન બનાવી 8.56 લાખની કિમતના હીરા ચોરી કરી ફરાર થઇ ગયો હતો. આ સમગ્ર મામલે વરાછા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.

 

આ ગુનામાં તપાસ કરી રહેલી વરાછા પોલીસે આરોપીના સાસરે તેમજ વતન જુનાગઢ ખાતે પણ તપાસ કરી હતી. પરંતુ તે પોલીસ પકડમાં આવતો ન હતો. આ દરમિયાન વરાછા પોલીસને માહિતી મળી હતી કે આરોપી કેશોદ વિસ્તારમાં ફરી રહ્યો છે જેથી વરાછા પોલીસે ત્યાની સ્થાનિક પોલીસનો સંપર્ક કરી તમામ જરૂરી માહિતી પૂરી પાડી આરોપીને ઝડપી પાડ્યો હતો

 

(7:29 pm IST)