Gujarati News

Gujarati News

News of Saturday, 7th January 2023

અમદાવાદમાં રસ્તે ચાલતા જતા લોકોના હાથમાંથી  મોબાઈલ ઝૂંટવી લેનારા બે આરોપીઓ ઝડપાયા

આરોપી પાસેથી પોલીસે અલગ અલગ કંપનીના 14 મોબાઈલ ને ગુનામાં વપરાયેલ વાહન પણ કબ્જે કર્યુ

અમદાવાદમાં રસ્તે ચાલતા રાહદારીઓના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી જનારા બે આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ રસ્તા પર મોબાઈલમાં વાત કરતા જતા લોકોના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી જતા હતા. પોલીસે આવા બે મોબાઈલ સ્નેચરને ઝડપી લઈ તેમની પાસેથી અલગ અલગ કંપનીના 14 મોબાઈલ કબ્જે કર્યા છે. સાથોસાથ ગુનામાં વપરાયેલ વાહન પણ કબ્જે કર્યુ છે. હાલ પોલીસે મોબાઈલના અસલી માલિકોને શોધી ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

  મોબાઈલ સ્નેચિંગ કરનારા બંને આરોપી મશકુર ઉર્ફે શાહરૂખ ડેલીગરા અને મોહમ્મદ સોયબ શેખ છે. આ બંને આરોપીઓ ફતેવાડી વિસ્તારના રહેવાસી છે. પોલીસે બંનેની મોબાઈલ સ્નેચિંગના ગુનામાં ધરપકડ કરી છે. આ સાથે તેમની પાસેથી 1 લાખ 28 હજાની કિંમતના 14 મોબાઈલ પણ કબ્જે કર્યા છે. સાથે જ મોબાઈલ સ્નેચિંગના ગુનામાં વપરાતુ વાહન પણ કબ્જે કરવામાં આવ્યુ છે. પ્રાથમિક તપસમા આનંદનગર અને સરખેજ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. સાથે જ અન્ય ચોરી ક્યાં કરી છે તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

ઝડપાયેલા બંને આરોપીની પૂછપરછ કરતા મશકુર ડેલીગરા અગાઉ વાસણા, વેજલપુર અને સરખેજ પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલો છે. તો અન્ય આરોપી મોહમ્મદ શોએબ પણ ચોરીના ગુનામાં ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. આરોપી પાસેથી મળી આવેલા 14 મોબાઈલમાંથી બે મોબાઈલ માલિકની ઓળખ થઈ છે. જ્યારે અન્ય બાર મોબાઈલ કોના છે અને ક્યાં ચોરી કરી હતી તે અંગે તપાસ થઈ રહી છે. સાથે જ આરોપી વિરુદ્ધ વધુમાં વધુ ગુના દાખલ થાય તે માટે પોલીસ ફરિયાદીઓનો સંપર્ક કરી રહી છે.

(9:49 pm IST)