Gujarati News

Gujarati News

News of Saturday, 7th January 2023

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે બટાકાના વાવેતરમાં થયો ઘટાડો

 પોષણક્ષમ ભાવો પણ ન મળતા ખેડૂતો બટાકાને બદલે અન્ય પાકો તરફ વળ્યા

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે બટાકાનું વાવેતર ઘટ્યું છે. બટાકાની ખેતી અન્ય ખેતી કરતા મોંઘી અને ખર્ચાળ છે. છેલ્લા કેટલાક સમયથી પોષણક્ષમ ભાવો પણ ન મળતા ખેડૂતો બટાકાને બદલે અન્ય પાકો તરફ વળ્યા છે.બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે બટાકાનું વાવેતર ખૂબ જ ઘટ્યું છે. ગત વર્ષે બનાસકાંઠા જિલ્લામાં વિસ્તારમાં 58902 હેક્ટર જમીનમાં બટાટાનું વાવેતર થયું. જેની સરખામણીમાં આ વખતે 53547 હેક્ટર વિસ્તારમાં જ બટાકાનું વાવેતર થયું છે.

  ડીસા પંથકમાં પણ ગત વર્ષની સરખામણીએ 1342 હેક્ટર વિસ્તારમાં બટાટાનું વાવેતર ઘટ્યું છે. શરૂઆતમાં બટાકાના બિયારણના ઊંચા ભાવો અને ખાતરની અછત તથા વધતી જતી મોંઘવારી વચ્ચે બટાટાના ભાવમાં જોવા મળતા ઉતાર ચઢાવને લીધે ખેડૂતો બટાટા કરતા અન્ય પાકો તરફ વળ્યા છે.

આ ઉપરાંત રાયડો, જીરું અને ઘઉં જેવા પાકોના ભાવમાં વધારો થયો છે જેથી ખેડૂતો હવે બટાટા ને બદલે અન્ય પાકોનું વાવેતર કરી રહ્યા છે. આમ બનાસકાંઠામાં છેલ્લા પાંચ વર્ષની અંદર બનાસકાંઠા જિલ્લામાં બટાકાનું વાવેતરમાં 21 ટકા જેટલો ઘટાડો નોંધાયો થયો છે

(11:06 pm IST)