Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

હવે જમીન રિ-સર્વે ડિસેમ્બર સુધી કરાવી શકાશે:વાંધા અરજીઓને લઇને રાજ્ય સરકારનો નિર્ણય

મહેસૂલ વિભાગ અને કૃષિ વિભાગ દ્વારા જમીન રિ-સર્વે મુદ્દે એક બેઠક બોલાવવામાં આવ્યા બાદ રી સર્વેની અરજીની મુદતમા વધારો કરાયો

અમદાવાદ :  મહેસૂલ વિભાગ અને કૃષિ વિભાગ દ્વારા જમીન રિ-સર્વે મુદ્દે  બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં જમીન રિ-સર્વે અંગે અરજી માટેના સમયગાળામાં વધારો કરવામાં આવ્યો છે. અને જમીનના રી સર્વે અંગેની વાંધા અરજીઓનો પણ તાત્કાલિક નિકાલ કરવામાં આવે તેવી ચર્ચા કરવામાં આવી હતી.
ગુજરાતમાં જમીન રી સર્વેની મામલે અનેક વખત ખેડૂતોમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. ત્યારે રાજ્ય સરકાર ફરી જમીન રિ-સર્વે મામલે એક્શન મોડમાં આવી હોવાનું સામે આવ્યું છે. રાજ્યમાં જમીન રી-સર્વેને કામગીરીને લઈ મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને કૃષિમંત્રી રઘવજી પટેલની અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળી હતી.આ  બેઠકમાં જમીન રી-સર્વેની કામીગીરીમાં ક્ષતિઓ બાબતે ખેડૂતોમાંથી ઉઠતી રાવ અંગે મહેસુલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણ કરવામાં આવી હતી, આ બાબતે ખેડૂતોને કઇ કઇ રાહત આપી શકાય તે બાબતે પણ સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં પદાધિકારીઓ અને અધિકારીઓ વચ્ચે ચર્ચા બાદ જમીન રિ-સર્વે અંગે જે પણ ખેડૂતોને વાંધા અરજી હોય તો અરજી કરવાના સમયગાળો લંબાવવા અંગેની જાહેરાત કરવામાં આવી હતી. નવી જાહેરાત બાદ હવે આગામી ડિસેમ્બર 2022 સુધી વાંધા અરજીઓ કરી શકાશે. એટલું જ નહી જમીન રિ-સર્વેની કામગીરી તાબડતોબ કરવા અને બને તેટલી ઝડપી પૂર્ણ કરવા પણ સબંધિત વિભાગના અધિકારીઓને સૂચન આપવામાં  આવ્યા હતા. અને  પેન્ડિંગ અરજીઓનો તાત્કાલિકના ધોરણે નિકાલ કરવા પણ જણાવ્યું હતું. 

   
 
   
(9:46 am IST)