Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

ચૂંટણીમાં છેલ્લા બે-ત્રણ મહિનાનું વાતાવરણ ‘નિર્ણાયક' બનશે

હવા ચલને લગી હૈ ફીર વાદે કી, ઘંટી બજ ચૂકી હૈ આનેવાલે ચૂનાવ કી... :વ્‍યકિત, જ્ઞાતિ, જાતિ, ભૂગોળ, તોડજોડ, સંભવિત ઘટના, કુદરતી પરિસ્‍થિતિ વગેરે આધારિત વિકલ્‍પો ખૂલ્લા

રાજકોટ, તા. ૭ : રાજયની વિધાનસભાની ચૂંટણી વહેલી થવાની શકયતા પૂર્ણ થઇ ગઇ છે. હવે નિર્ધારિત સમય મુજબ નવેમ્‍બર-ડીસેમ્‍બરમાં ચૂંટણી આવવા પાત્ર છે. સમગ્ર દેશનું ધ્‍યાન ખેંચનારી રાજયની ચૂંટણી આડે હવે મહતમ ૭ મહિના બાકી રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ બૂંગીયા ફુકી દીધા છે. ચુંટણીના સંભવિત મુદ્દા ચર્ચામાં આવી ગયા છે. કોણ સતા મેળવશે ? તે સવાલ સ્‍વભાવિક રીતે જ સામે આવી રહ્યો છે.

અત્‍યારે જો અને તો આધારિત રાજકીય આગાહીઓ થઇ રહી છે. રાજકારણમાં કોઇ સમીકરણો કાયમી હોતા નથી છતાં છેલ્લા બે-ત્રણ મહિનાનું વાતાવરણ નિર્ણાયક બને છે. ચૂંટણી જીતવા લાંબા ગાળાની રણનીતિ જરૂરી છે. પણ કયારેક અણધાર્યો ફૂટી નીકળતો  મુદ્દો વાતાવરણ બદલવા સમર્થે હોય છે.

ગુજરાતમાં ૧૯૯પ થી રા.જ.પા. સરકાર વખતના એક વર્ષને બાદ કરતા છેલ્લા ર૭ વર્ષથી ભાજપનું શાસન રહ્યું છે. રાજયમાં ભાજપનો હરીફ પક્ષ કોંગ્રેસ રહ્યો છે. ચૂંટણી સમયે અન્‍ય પક્ષો અને અપક્ષો પણ મેદાનમાં હોય છે આ વખતે ચુંટણીના જંગમાં આમ આદમી પાર્ટીની હાજરી અત્‍યારથી જ દેખાઇ રહી છે. ત્રીજુ બળ ફાવશે કે નહિ ?  તે મોટો સવાલ છે પણ આમ આદમી પાર્ટી ચર્ચામાં રહેવામાં ફાવી ગઇ છે. ત્રિપાંખીયા જંગના એંધાણ વર્તાઇ રહ્યા છે.

ભાજપ મોદીનો ચહેરો આગળ કરીને વિકાસના મુદ્દા પર ચૂંટણી લડશે. ભાજપના ભાથામાં હિન્‍દુતા, રાષ્‍ટ્રવાદ જેવા મુદ્‌ા પણ છે. કોંગ્રેસ, આપ જેવા વિપક્ષો માટે મોંઘવારીનો મુદ્‌ો મુખ્‍ય હથીયાર છે. ઉપરાંત કાયદો-વ્‍યવસ્‍થા ભ્રષ્‍ટાચાર, બેરોજગારી જેવા હથિયારોનો પણ ઉપયોગ કરશે.

રાજકીય પક્ષોએ અત્‍યારથી જ આકર્ષક વચનોની લ્‍હાણી શરૂ કરી દીધી છે. ચૂંટણીમાં પક્ષના સંગઠનની અને ઉમેદવારની વ્‍યકિતગત તાકાત, જ્ઞાતિ-જાતિ, ભૂગોળના સમીકરણો, રાજકીય તડજોડ મતદાનનું પ્રમાણ, રાજયમાં કે દેશમાં બનતી ઘટનાઓ પ્રચારની પધ્‍ધતિ વગેરે અસર કરે છે. કયારેક કુદરતી પરિસ્‍થિતિ પણ રાજકીય વળાંકમાં ભાગ ભજવે છે. ર૦રરનું ચોમાસુ કેવું જશે ? તેના પર રાજકીય વર્તુળોની મીટ છે. રાષ્‍ટ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ શરૂ થઇ ગયા છે. ચૂંટણી જેમ નજીક આવતી જશે તેમ વાદ-વિવાદ, વિખવાદ, આક્ષેપો-પ્રતિઆક્ષેપો, પક્ષપલ્‍ટા વગેરે જોર પકડશે. મતદાનની નજીકના દિવસોનું વાતાવરણ પરિણામ પર સીધી અસર કરશે.

એક નઝર ઇધર ભી

રાજકારણ વિષે માહિતી આપતા પાંચ ‘વિશ્વ વિદ્યાલયો'

૧.   પાનની દુકાન

ર.   હેર કટીંગ સલૂન

૩.   દારૂ પીધેલો માણસ

૪.   ટ્રેનનો જનરલ ડબ્‍બો

પ.      વોટસએપ.

 

(3:58 pm IST)