Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

નડિયાદ:ડાકોર સેવાલિયા રોડ નજીક અજાણ્યા ક્રેઈન ચાલકે રાહદારીને ટક્કર મારતા ગંભીર ઇજાથી મોત

નડિયાદ : ડાકોર સેવાલીયા રોડ પર આવેલા ઠાસરા રોડ ઉપર એક અજાણ્યા ક્રેઇન ચાલકે રાહદારીને પાછળથી ટક્કર મારતા રાહદારીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા રાહદારીનું મૃત્યુ નીપજયું હતું. અકસ્માત બાદ અજાણ્યો ક્રેન ચાલક પોતાનું વાહન લઈ સેવાલિયા તરફ નાસી ગયો હતો.

ઠાસરા તાલુકાના ઉધમતપૂરા ખાતે કનુભાઈ મહિજીભાઈ ચુનારા રહે છે. તેઓના કાકા નવઘણભાઈના જમાઈ અરવિંદભાઈ મનુભાઈ ચુનારા (રહે થામણા, તા. ઉમરેઠ) તથા કાકાનો દીકરો નરેશ બંને જણા શુક્રવારે સવારે ચાલતા ઠાસરા ગામમાં બજારમાં ખરીદી માટે નીકળ્યા હતા. તેઓ ઠાસરા તીન બત્તી રોડ ઉપરથી પસાર થતા હતા. દરમિયાન ડાકોર તરફથી એક નંબર પ્લેટ વગરની ક્રેઇનના ચાલકે પોતાનું વાહન બેફિકરાઈ અને પુરઝડપે હંકારી રાહદારી અરવિંદભાઈને ટક્કર મારતા તેઓ રોડ પર પટકાયા હતા. રોડ પર પટકાયેલા અરવિંદભાઈને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે અરવિંદભાઈને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ સંદર્ભે કનુભાઇ ચુનારાની ફરિયાદના આધારે ઠાસરા પોલીસે અજાણ્યા ક્રેઇન ચાલક વિરોધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(5:52 pm IST)