Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

ભારતમાં સ્વાસ્થ્ય સેવાઓ આર્થિક ઉપાર્જન નહીં પરંતુ સેવાનું માધ્યમ :કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખભાઇ માંડવીયા

સ્વાસ્થ્ય ચિંતન શિબિરમાં દેશના આરોગ્યક્ષેત્રનું આવનારા ૨૫ વર્ષનું વિઝન નક્કી કરવામાં આવ્યું: મંત્રી મનસુખભાઇ માંડવીયા: WHO એ કોરોનાથી ભારતમાં મૃત્યુના આંકડા સંદર્ભે રીપોર્ટનું દેશના તમામ રાજ્યોના આરોગ્યમંત્રીશ્રીઓ દ્વારા એકજૂથ થઇને બહિષ્કાર કર્યો તે દર્શાવે છે કે “દેશ માટે અમે એક છીએ” :આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ :સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયા કોલોની ખાતે સેન્ટ્ર્લ કાઉન્સીલ ઓફ હેલ્થ એન્ડ ફેમીલી વેલ્ફેરની ૧૪ મી બેઠક અંતર્ગત યોજાયેલ ત્રિદિવસીય સ્વાસ્થય ચિંતન શિબિર સંપન્ન

અમદાવાદ :કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખભાઇ માંડવીયાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેની સેન્ટ્ર્લ કાઉન્સીલ ઓફ હેલ્થ એન્ડ ફેમીલી વેલ્ફેરની 14 મી બેઠક અંતર્ગત યોજાયેલ ત્રિ-દિવસીય સ્વાસ્થ્ય ચિંતન શિબિરના સમાપન સમારોહમાં ભારપૂર્વક કહ્યું કે, ભારત દેશમાં સ્વાસ્થ્ય સેવાઓ આર્થિક ઉપાર્જન માટેનું નહીં પરંતુ સેવાનું માધ્યમ છે.  
મંત્રી મનસુખભાઇ માંડવિયાએ મીડિયા સાથેના સંવાદમાં કહ્યું કે, તાજેતરમાં WHO (વિશ્વ આરોગ્ય સંસ્થા)ના કોવિડમાં ભારતમાં મોતના આંકડા અંગે રજૂ કરવામાં આવેલા રીપોર્ટને સમગ્ર કાઉન્સીલ દ્વારા ઠરાવ પસાર કરીને બહિષ્કાર કરવામાં આવ્યો છે.
જેના સંદર્ભમાં તેઓએ વિશેષમાં ઉલ્લેખ કરતા જણાવ્યુ કે, ભારતમાં 100 વર્ષથી જન્મ અને મરણના ડેટા નોંધણી માટે રજીસ્ટ્રર નિભાવવામાં આવે છે. વર્ષ 1969 થી આ રજીસ્ટ્રરને કાનૂની સ્વરૂપ આપવામાં આવ્યું છે. દેશના કોઇ પણ વિસ્તારમાં કોઇ પણ જગ્યાએ થતા મૃત્યુના તમામ ડેટાની નોંધણી રજીસ્ટરમાં નિયમિત કરવામાં આવે છે.
મંત્રીએ સ્વાસ્થ્ય ચિંતન શિબિરમાં સ્વસ્થ ભારતના નિર્માણ માટે કરેલ મંથન આવનારા 25 વર્ષના આરોગ્ય વિકાસ માટેનો રોડમેપ બની રહેશે તેવો ભાવ વ્યક્ત કર્યો હતો.
ચિંતન શિબિરમાં દેશના નાગરિકોને એફોર્ડેબલ, એક્સેસીબલ અને ક્વાલીટેટીવ સ્વાસ્થય સેવાઓ ઉપલબ્ધ કરાવવા કેન્દ્ર અને રાજ્યોના સંયુક્ત પ્રયાસો અંગેની ગહન ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી.  
દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી આવેલ આરોગ્યમંત્રીશ્રીઓ તેમજ પ્રતિનિધિઓ દ્વારા તેમના રાજ્યોના આરોગ્યક્ષેત્રની રજૂ કરવામાં આવેલી શ્રેષ્ઠ કામગીરીનું પરસ્પર આદાન પ્રદાન કરીને બેસ્ટ મોડલને પોતાના રાજ્યોમાં પણ અનુસરવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.
ત્રિદિવસીય શિબિરના પરિણામ સ્વરૂપ મંત્રીએ વિશેષમાં જણાંવ્યુ કે, દેશમાં કોરોનાકાળના કારણે છેલ્લા બે વર્ષમાં પડતર પડેલ મોતિયાના ઓપરેશનને તમામ રાજ્યોના સહયોગથી જુન-2022 થી બે વર્ષ સુધીમાં સધન અભિયાન ચલાવીને પૂર્ણ કરવાના પરિણાદાયી પ્રયાસો હાથ ધરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા વર્ષ – 2025 સુધીમાં ભારત દેશને ટી.બી. મુક્ત કરવાના સંકલ્પને સફળ બનાવવા મે-2022 થી આરોગ્ય વિભાગના નિક્ષય પોર્ટલ પરથી ટી.બી.ના દરેક દર્દીનું રજીસ્ટ્રેશન કરાવવાનું સુદ્ગઢ આયોજન હાથ ધરવામાં આવ્યું છે જેને જનભાગીદારીથી સફળ બનાવવા મંત્રીએ દેશવાસીઓને અનુરોધ કર્યો છે.
સમાપન સત્રમાં કેન્દ્રીય આરોગ્ય રાજ્યમંત્રી ડૉ. ભારતી પવારે હિલ ઇન્ડિયા હિલ બાય ઇન્ડિયા થકી ભારત દેશની સ્વાસ્થ્ય સુવિધાઓ કેવળ ભારત દેશ પૂરતી સિમિત ન રહીને વિશ્વસ્તરે પહોંચે તેમજ ભારતીય મેડિકલ વેલ્યુ ટ્રાવેલ( મેડિકલ ટુરિઝમ)ને વેગ મળે તે માટેનું ચિંતન અને મંથન આ શિબિરમાં કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતુ. તેમણે વધુમાં ઉમેર્યુ કે, કોરોના મહામારીમાં સમગ્ર દેશે એકજૂથ થઇને લડત આપી તે રીતે સ્વસ્થ ભારતના નિર્માણમાં પણ કેન્દ્ર અને રાજ્યોએ એકજૂથ થઇને કાર્ય કરવું પડશે.
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે સમાપન સમારોહમાં જણાવ્યું કે, WHO એ કોરોનાથી ભારતમાં મોતના જાહેર કરેલ આંકડા સંદર્ભે રીપોર્ટનું દેશના તમામ રાજ્યોના આરોગ્યમંત્રીશ્રીઓ દ્વારા એકજૂથ થઇને કરવામાં આવેલ બહિષ્કાર દર્શાવે છે કે “દેશ માટે અમે સૌ એક છીએ”.
તેમણે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇના અધ્યક્ષ સ્થાને યોજાયેલી ત્રિ-દિવસીય ચિંતન શિબિરમાં પધારેલા દેશના વિવિધ રાજ્યોના આરોગ્યમંત્રીઓ, સચિવઓ, તબીબી તજજ્ઞોનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
સ્ટેચ્યુ ઓફ યુનિટી – એકતાનગરના સાંનિધ્યમાં મળેલી આરોગ્ય ચિંતન શિબિર દ્વારા દેશના તમામ રાજ્યો એકજૂથ થઇને “આરોગ્ય પરિવારની” જેમ કાર્ય કરીને સ્વસ્થ અને સશક્ત ભારતના નિર્માણની દિશામાં કાર્ય કરશે તેવો ભાવ વ્યક્ત કર્યો હતો.
સ્વાસ્થ્ય ચિંતન શિબિરના સમાપન સત્રમાં વિવિધ રાજ્યોમાંથી પધારેલા આરોગ્યમંત્રીઓ અને આરોગ્ય સચિવએ ગુજરાત સરકારના આયોજન અને આતિથ્યની પ્રશંસા કરી હતી.

(7:08 pm IST)