Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

ગુજરાત ભાજપ ચૂંટણી મોડમાં : કાલે 50થી વધુ ડોકટરો કેસરિયા કરશે

મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં ભાજપનો ખેસ પહેરશે

અમદાવાદ :  વિધાનસભાની ચુંટણી માથે છે ત્યારે ભાજપ પક્ષમાં હાલ પ્રવેસોત્સવ ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. પોતાની પાર્ટીથી નારાજ અનેક નેતાઓ પક્ષ બદલી ભાજપના રંગે રંગાઇ રહ્યા છે. કોંગ્રેસ સાથે છેડો ફાડી અનેક નેતાઓ ભાજપ અને આપમાં ગયા બાદ આ શીલશીલો યથાવત રહેવા પામ્યો છે. તેવા સંજોગો વચ્ચે આવતીકાલે 50 જેટલા ડૉક્ટર ભાજપમાં સામેલ થવા જઈ રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચુંટણી પહેલા જ  ભાજપમાં  પ્રવેસોત્સવની મોસમ ખિલતા પક્ષની મજબૂતી વધી રહી છે. 

આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પક્ષમાં ગાબડું પાડવા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો-આગેવાનો રિતસરના મેદાને ઉતર્યા છે. રોજ-રોજ અનેક પક્ષના નેતાઓ કેસરિયા કરી રહ્યા છે, ત્યારે ભાજપની વિચારધારાથી પ્રભાવિત થઇ આવતીકાલે 50 થી વધુ ડૉક્ટર ભાજપમાં જોડાશે.આવતીકાલે રવિવારે બપોરના સમયગાળા દરમિયાન કમલમ ખાતે તબીબો ભાજપમાં વિધિવત રીતે જોડાશે. મુખ્યમંત્રીના નિવાસસ્થાને બપોરનું ભોજન લીધા બાદ તમામ તબીબો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલના હસ્તે ખેસ ધારણ કરશે.તેમ જાણવા મળી રહ્યું છે. 

 આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના આગેવાનો તમામનું સ્વાગત કરશે. મહત્વનું છે અગામી ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ભાજપના આગેવાનો પોતાનો 150 સીટ ઉપરનો લક્ષ્યાંક પાર પાડવા અને ચુંટણીમાં ઇતિહાસ સર્જવા માટે અત્યારથી જ એડીચોંટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપ કોઇ કાળે કસર છોડવા માંગતો ન હોય તેમ ચુંટણીની જાહેરાત થયા અગાઉ  જ તળીયેથી કામગીરી આરંભી દીધી છે. 

   
 
   
(11:43 pm IST)