Gujarati News

Gujarati News

News of Tuesday, 7th December 2021

PGના પ્રવેશ શરૂ ન થતા વિરોધ સુરતમાં સિવિલ, સ્મીમેરના રેસિડેન્ટ તબીબોની હડતાળ : તમામ ઈમરજન્સી સેવા ચાલુ

કામનું ભારણ વધતાં તબીબી વિદ્યાર્થીઓ અકળાયા: પ્રથમ વર્ષ પીજીની પ્રવેશ પ્રક્રિયા શરૂ ન થતા રેસિડેન્ટ ડોક્ટરો પર કામનું ભારણ વધી ગયું હોવાનો દાવો

સુરત :સુપ્રીમ કોર્ટમાં અનામતના મુદ્દે ચાલી રહેલી સુનાવણીને લઈને ભારતમાં મેડીકલ કોલેજોમાં પ્રથમ વર્ષની પોસ્ટ ગ્રેજયુએટ પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ નથી. સરકાર દ્વારા જે સમય આપવામાં આવ્યો હોય તે સમયે કોઈ નિર્ણય ન આવતાં સુરતની નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ સહિત રાજયના છ શહેરોમાં આજથી રેસીડેન્ટ ડોકટરો હડતાળ પર ઉતર્યા છે. હોસ્પિટલમાં ઈમરજન્સી, કોવિડ-19 અને આઈસીયુ વિભાગમાં રેસીડેન્ટ તબીબો સારવાર આપશે. તે સિવાય કોઈપણ વિભાગમાં તબીબો ફરજ પર રહેશે નહીં.

નવી સિવિલના જુનિયર ડોકટર્સ એસોસિએશને ભારત સરકારના આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાને મળ્યા બાદ હડતાળ ખેંચી લીધી હતી પરંતુ 4-5 દિવસની ખાતરી બાદ પણ સુરતની સરકારી મેડિકલ કોલેજ સહિત દેશમાં પ્રથમ વર્ષની પીજીની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ નથી. મેડિકલ કોલેજોમાં નીટ- પીજી કાઉન્સેલિંગ પ્રક્રિયા વહેલી શરૂ કરવાની માંગણી સાથે જુનિયર ડોકટરોના સંગઠનોએ હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે

 

આજથી એટલે કે મંગળવારથી ઓપીડી અને વોર્ડમાં રેસીડેન્ટ ડોકટરો કામ કરશે નહીં, જુનિયર ડોકટર્સ ઓસિ.ને સોમવારે સિવિલના ડીન. ડો. ઋતંબરા મહેતાને આવેદન આપીને હડતાળ પર જવાની જાણ કરી હતી. ડો. ઋતમ્બરા મહેતાએ જણાવ્યું હતુ કે આ બાબત સમગ્ર દેશમાં ચાલી રહી છે. જુનિયર ડોકટર્સ એસોસિએશન રાષ્ટ્રીયસ્તરે હડતાળ પર છે. જયાં સુધી રાજય સરકાર મેડિકલ કોલેજોમાં નોન- પીજી કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ નહી કરે ત્યાં સુધી જુનિયર તબીબોની ભરતી કરીને બીજા અને ત્રીજા વર્ષના તબીબોને મદદ કરવા સહત થયા છે.

સુરત મેડિકલ કોલેજમાંથી ફાઈલ તૈયાર કરીને ગાંધીનગર મેડિકલ એજયુકેશનમા એડિશનલ ડાયરેકટર ડો. રાધવેન્દ્ર દીક્ષિત સાથે વાત કરી છે. તેમણે કહ્યું છે કે ફાઈલ ઉપલા સ્તરના અધિકારીઓ સુધી પહોંચી ગઈ છે. ટુંક સમયમાં સરકાર તેના પર નિર્ણય લેશે પરંતુ હજુ સુધી કોઈ નિરાકરણ નહીં આવતારાજયના છ શહેરોમાં રેસીડેન્ટ ડોકટરોએ આજથી હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે.

ઉલ્લેખનીય છે કે બીજા વર્ષમાં રેસિડેન્ટ ડોકટરોએ હડતાળ પર જવાનું મન બનાવી લીધુ છે. પરંતુ ત્રીજા વર્ષના રેસીડેન્ટ તબીબો હડતાળ પર જવા માંગતા નથી. હડતાળને લઈને નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલના અનેક રેસીડેન્ટ તબીબોમાં મતભેદ સર્જાયા છે. નવી સિવિલમાં સિનીયર તબીબો 127 છે. જેઓ હડતાળ પર નથી ઉતર્યા તે જ સમયે વહીવટી તંત્રએ મેડીકલ કોલેજના નોન- કિલનિકલ શિક્ષકોને જરૂરીયાત મુજબ ઓપીડી, વોર્ડમાં જવાના આદેશ આપ્યા છે.

(1:14 pm IST)