Gujarati News

Gujarati News

News of Wednesday, 9th June 2021

કેવડીયામાં એન્જીનીયરીંગ કંપનીનું મશીન સાફ કરતા બે મજૂરના મોત : 5 વિરુદ્ધ ગુનો નોંધાયો

મજૂરો મીક્ષર મશીન સાફ કરી રહ્યા હતા દરમિયાન એક કર્મચારીએ મશીન ચાલુ કરી દેતા બંને મજૂરો કપાઈ જતા કમકમાટી ભર્યા મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કેવડિયા ખાતે અમદાવાદની એક ખાનગી એન્જીનીયરીંગ કંપનીનું મીક્ષર મશીન 2 મજૂરો સાફ કરી રહ્યા હતા એ સમયે અન્ય કર્મચારીઓથી મશીન ચાલુ થઈ જતા બે મજૂરો મશીનમાં આવી જતા બંનેના મોત થયા છે. કેવડિયા પોલીસે આ બાબતે એન્જીનીયરીંગ કંપનીના 5 કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
  સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયામાં એસ.આર.પી રાજીવ વન વસાહતની સામે અને ભુમલિયા શોપિંગ સેન્ટર નજીક યશનંદ એન્જીનીયરીંગ એન્ડ કોંટ્રાક્ટ પ્રા.લી. કેવડીયા કોલોની ખાતે જી.એસ.સી.બી (ગુજરાત સ્ટેટ કોર્પોરેશન બેન્ક) નું કામ કરી રહી છે. કામકાજ બંધ થતા સેફટીના સાધનોનું ધ્યાન ન આપી રીનેશભાઇ ભુરીયા તેમજ રાકેશભાઇ સીંગાડીયાને મીક્ષર પ્લાન્ટ સફાઇનું કામ સોંપાયું હતું.આ મજૂરો મીક્ષર પ્લાન્ટ સફાઇનું કામ કરતા હોવા છતાં યશનંદ એન્જીનીયરીંગ એન્ડ કોંટ્રાક્ટ પ્રાઇવેટ લીમીટેડના કર્મી દીપેશભાઇ કાનાબાર મશીનની સ્વિચ ચાલુ કરી દેતા મીક્ષર પ્લાન્ટ ચાલુ થઈ જતા બન્ને મજૂરો મશીનમાં આવી જતા બંને ના કરુણ મોત નિપજ્યા હતા.
કેવડિયા પોલીસે આ ઘટના માં યશનંદ એન્જીનીયરીંગ ના દીપેશભાઇ કાનાબાર (ર) વીજયભાઇ ઉપાધ્યાય (૩) સંજયભાઇ વિકલા સોનકર (૪) હીમેશભાઇ પટેલ (૫) સમીરભાઇ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.આ ઘટનામાં મૃત્યુ પામનાર રાકેશભાઇ સીંગાડીયાનું રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં તથા રીનેશભાઇ ભુરીયાનું ગરુડેશ્વર સી. એચ. સી ખાતે પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું.

(10:17 pm IST)