Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

કેવાયસી અપડેટના બહાને વૃધ્ધના ખાતામાંથી પ.૮૪ લાખ ઉપાડી લીધા!

અમદાવાદ, તા. ૧૧ :  વસ્ત્રાપુરમાં રહેતા વૃદ્ધને પેટીએમ કેવાયસી અપડેટ કરાવવું પડશે, જો અપડેટ નહીં કરાવો તો તમારુ પેટીએમ એકાઉન્ટ બંધ થઈ જશે તેમ જણાવી આધાર કાર્ડ નંબર તથા બેન્ક એકાઉન્ટ નંબર મેળવી વૃદ્ધના એકાઉન્ટમાંથી અલગ અલગ ટ્રન્જેકશન દ્વારા રૂ.૫.૮૪ લાખ ઉપાડી હતા. આ અંગે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

વસ્ત્રાપુરના તક્ષશિલા ટાવરમાં રહેતા અને હાલ નિવૃત જીવન ગુજારતા અતુલભાઈ દવેના મોબાઈલ પર એક મેસેજ આવ્યો હતો કે, તમારુ પેટીએમ એકાઉન્ટ એકસપાયર અને બ્લોક થઈ જશે તો મહેરબાની કરીને કસ્ટમરકેરમાં ફોન કરો. જેથી આપેલા નંબર પર ફોન કરતા સામે પક્ષેથી દિપક શ્રીવાસ્તવ પોતે પેટીએમ ના કર્મચારી હોવાનું જણાવી તમારે પેટીએમનવો કેવાયસી અપડેટ કરાવવાનું છે અને નવેસરથી રજીસ્ટર્ડ કરાવવુ પડશે. જેથી અતુલભાઈએ તે અંગેની પ્રોસેસની પુછપરછ કરતા આધાર કાર્ડ તથા પેટીએમમાં રજીસ્ટર્ડ થયેલ બેન્ક એકાઉન્ટનો નંબરની જરૂર પડશે. જેથી અતુલભાઈએ દિપકને આધારકાર્ડ નંબર અને બેન્ક એકાઉન્ટનો નંબર આપ્યો હતો. જો કે નંબર આપતા જ અતુલભાઈના એકાઉન્ટમાંથી ૨૦ હજારના ૪ ટ્રાન્જેકશન થઈને પૈસા કપાઈ ગયા હતા. જેથી અતુલભાઈએ દિપકને આ અંગે વાત કરતા રવિવાર હોવાથી સર્વર પ્રોબ્લેમ ના કારણે તમારા પૈસા કપાયા છે જે કાલે તમારા ખાતામાં આવી જશે તેમ જણાવ્યું હતું.

જોકે બીજા દિવસે અતુલભાઈના એકાઉન્ટમાંથી ૫૦ હજાર રૂપિયાના ૪ અને ૨૫ હજારના અલગ અલગ ટ્રાન્જેકશન થઈને ખાતામાંથી કુલ રૂ.૫.૮૪ લાખ કપાઈ ગયા હતા. જે અંગે અતુલભાઈએ દિપકને ફોન કરતા દિપકે ફોન ઉપાડ્યો ન હતો. જેથી પોતાને પેટીએમ કેવાયસીના નામેં ઠગાઈ થઈ હોવાનું માલુમ પડ્યું હતું. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(2:51 pm IST)