Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

રાજય સરકારનો સંવેદનશીલ નિર્ણય

સરકારી હોસ્પિટલો, મેડીકલ કોલેજો તથા આરોગ્ય કેન્દ્રોના ફાર્માસીસ્ટોને કોરોના વોરીઅર્સનું સન્માન

ગુજરાત રાજય ફાર્માસીસ્ટ મંડળ દ્વારા કરવામાં આવેલ રજુઆતને સફળતા

રાજકોટ તા. ૧૧ : વૈશ્વિક મહામારી કોરોના (કોવિડ ૧૯) ના સમય દરમ્યાન ગુજરાત રાજયની તમામ સરકારી હોસ્પિટલો, મેડીકલ કોલેજો તથા સાર્વજનિક આરોગ્ય કેન્દ્રો ખાતે ફરજ બજાવતા ફાર્માસીસ્ટો સતત મહત્વનું યોગદાન આપી રહેલ છે. આ સંદર્ભે ફાર્માસીસ્ટોની ફરજ નિષ્ઠા અને સમાજલક્ષી કામગીરીને ધ્યાને લઇ તથા ફાર્માસીસ્ટોના મનોબળને ટકાઉ-મજબુત બનાવવાના આશયથી તમામ ફાર્માસીસ્ટોને કોરોના વોરીઅયર્સ તરીકે સન્માનિત કરવાનો સંવેદશીલ નિર્ણય રાજય સરાકર દ્વારા કરવામાં આવ્યો છે. આ નિર્ણયને રાજયના તમામ ફાર્માસીસ્ટોએ વધાવી લીધો છે અને તેઓમાં ખુશીની લહેર વ્યાપી ગઇ છે.

ગુજરાત રાજયની આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ અને સંશોધનની કચેરી, ગાંધીનગર દ્વારા જાહેર આરોગ્ય વિભાગના અધિક નિયામક ડો. દિનકર રાવલની સહીથી કરવામાં આવેલ પરિપત્રમાં રાજયની સરકારી હોસ્પિટલો, મેડીકલ  કોલેજો અને સાર્વજનિક આરોગ્ય કેન્દ્રો ખાતે ફરજ બજાવતા ફાર્માશીસ્ટોને કોરોના વોરીઅર્સ તરીકે  સન્માનિત કરવા જણાવવામાં આવ્યું છે. મહામારીના સમયમાં તમામ ફાર્માસીસ્ટોએ મહત્વનું યોગદાન આપેલ હોવાનું અને તેઓના મનોબળને મજબુત બનાવવાની યોગ્ય કાર્યવાહી કરવાનું પણ પરિપત્રમાં જણાવાયું છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે તાજેતરના ભૂતકાળમાં જ ગુજરાત રાજય ફાર્માસીસ્ટ મંડળની નવી કારોબારી અસ્તિત્વમાં આવેલ છે, જેમાં સર્વાનુમતે ચૂંટાયેલ પ્રમુખ શ્રી વિસ્મિત શાહ અને મહામંત્રીશ્રી ચિરાગ સોલંકીના નેજા હેઠળ ગુજરાત રાજય ફાર્માસીસ્ટ મંડળ દ્વારા ફાર્માસીસ્ટોને કોરોના વોરીઅર્સ તરીકે સન્માનિત કરવા માટેની માંગણી રાજય સરકાર સમક્ષ કરવામાં આવી હતી, જેનો રાજય સરકારે સંવેદનશીલ નિર્ણયરૂપે સ્વિકાર કર્યો હોવાનું ગુજરાત રાજય ફાર્માસીસ્ટ મંડળના મિડીયા કો-ઓર્ડીનેટર શ્રી દિપેન અટારા (સરકારી હોસ્પિટલ, કેશોદ) એ અકિલાને જણાવ્યું હતું.

(3:50 pm IST)