Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

રૂપાણી સરકાર રિમોટ કન્ટ્રોલથી ચાલતીઃ મંદી-મોîઘવારી-બેરોજગારી-કોરોના મહામારી માટે વડાપ્રધાન અને ગૃહમંત્રી જવાબદાર

ભાજપે પોતાની નિષ્ફળતા ઢાંકવા માટે માત્ર ચહેરો બદલ્યો છે, નીતિ અને રીતિ નથી બદલીઃ રૂપાણીને અધવચ્ચે રાજીનામુ અપાવ્યાનું અત્યંત દુઃખઃ વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણીની પ્રતિક્રિયા

ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ રાજીનામુ આપ્યુ છે. વિજય રૂપાણીના રાજીનામા બાદ ગુજરાતના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. પરેશ ધાનાણીએ કહ્યુ કે, રૂપાણીને અધવચ્ચે રાજીનામુ અપાવ્યાનું મને અત્યંત દુખ છે. ભાજપે પોતાની નિષ્ફળતા ઢાંકવા માટે માત્ર ચહેરો બદલ્યો છે નીતિ અને રીતિ બદલી નથી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ કહ્યુ કે, નિષ્ફળતાને ઢાંકવા માત્ર ચહેરો બદલાયો, નીતિ અને રીતિ નહી. મુખ્યમંત્રીનું રાજીનામુ એટલે ભારતીય જનતા પાર્ટીની આંતરિક લડાઇનો એકરાર. મને લાગે છે કે મુખ્યમંત્રીનું રાજીનામુ સત્તા અને સંગઠન વચ્ચે સંઘર્ષનું પ્રતિબિંબ છે. મુખ્યમંત્રીનું રાજીનામુ ભાજપની તમામ મોરચે નિષ્ફળતાનો એકરાર છે. રૂપાણી સરકાર તો રિમોટ કંટ્રોલથી ચાલતી હતી પણ મંદી, મોંઘવારી, બેરોજગારી, અત્યાચાર, ભ્રષ્ટાચાર અને કોરોના મહામારી માટે નરેન્દ્ર મોદી અને અમિત શાહ સીધા જવાબદાર છે. જ્યારે ગુજરાતમાં આરોગ્ય સુવિધા ઉભી કરવાની જરૂરીયાત હતી ત્યારે રૂપાણીને વ્યસ્ત રાખનારી ભાજપની સરકારે ગુજરાતમાં 3 લાખ કરતા વધુ લોકોને મોતના મુખમાં ધકેલ્યા અને કદાચ આ ગુજરાતની જનતાના ગુસ્સાએ મુખ્યમંત્રીનો ભોગ લીધો છે. વિતેલા 20 વર્ષમાં ભય,ભ્રમ અને ભ્રષ્ટાચારની રીત રસમોથી સતત સત્તા ટકાવી રાખનારી ભારતીય જનતા પાર્ટી દ્વારા ફરીથી જ્ઞાતિવાદ અને કોમવાદથી ભાગલા પડાવાનું ષડયંત્ર રચાશે તેવી મને આશંકા છે.

ભારતીય જનતા પાર્ટી ચહેરો બદલ્યો પણ નીતિ રીતિ નહી પરિણામે આજે ગાંધી અને સરદારનું ગુજરાત સમગ્ર દેશને આઝાદી અપાવવા માટે નેતૃત્વ પુરૂ પાડ્યુ હતુ તે નવી પેઢી ગુલામીનો અહેસાસ કરી રહી છે અને આ ગુજરાતની અંદર બીજી આઝાદીની લડાઇ માટે સમાનતા, સદભાવનાના પાયા ઉપર સંવૈધાનિક અધિકારોને બચાવવા માટે કોંગ્રેસનું આંદોલન આગળ ધપાવવાનો અમે નિર્ણય કર્યો છે.

(5:10 pm IST)